નર્મદાનાં સાગબારા તાલુકાનાં કોલવાણ ગામમાં એક ૪૦ વર્ષીય અપરણિત મહિલાની ઘરમાં ઘૂસીને ઘાતકી હત્યા કરવાનો કિસ્સો સામે આવ્યો છે. આરોપી પડોશી કિશન ગેમા વસાવાએ દારૂના નશામાં હિંસક બની મૃતક કાથુબેન જીવાભાઈ વસાવા પર જીવલેણ હુમલો કરીને તેણીને મારી નાંખ્યાનો આરોપ છે. 
મળતી માહિતી મુજબ, તારીખ ૨૫ મે નારોજ સાંજે કોલવાણ ગામનાં ગૌચર ફળીયામાં રહેતી કાથુબેન જીવાભાઈ વસાવા તેમના ઘરે એકલી હતી. એ મહેનત મજૂરી કરી જીવનગુજારો ચલાવતી હતી. આ મહિલા પર નશાની હાલતમાં કિશને અચાનક હુમલો કર્યો હતો. આરોપીએ પહેલાં કાથુબેનના ચહેરા પર મુક્કા માર્યા હતા. ત્યારબાદ છાતી અને પાંસળીઓ પર જોરદાર પ્રહાર કર્યા હતા. ગાલ પર નખથી ઘા કરી અને ગળું દબાવીને હત્યા નાંખી હતી. ઘટનાની જાણ થતાં સાગબારા પોલીસ સ્ટેશને આરોપી કિશનની તાત્કાલિક ધરપકડ કરાઈ હતી. મૃતકનું પોસ્ટ મોડમ કરાયું છે. ગુન્હાનાં કારણો તથા ચોક્કસ ઘટનાની તપાસ ચાલી રહી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે, આરોપી અને મૃતક વચ્ચે કોઈ જાતનો વિરોધ નથી. નશાની સ્થિતિમાં આવા હિંસક વર્તન પાછળનું કારણ હોય શકે છે. કાથુબેન જીવાભાઈ વસાવા ગામમાં મજૂરી કરીને સાદું જીવન જીવતી હતી. તેમના પરિવાર અથવા આશ્રયીઓની માહિતી હાલ પોલીસને મળી નથી. બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.




