નવસારીનાં નવસારી-બારડોલી રોડના ગ્રીડ નજીક આવેલ કુબેર રેસિડેન્સીના એક મકાનમાં તસ્કરોએ રોકડ અને દાગીના મળી રૂ.૨.૬૫ લાખની ચોરી કરી નાસી છૂટ્યાની ફરિયાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. 
મળતી માહિતી મુજબ, આરતીબેન ધર્મેશગીરી ગૌસ્વામી (રહે.ઘર નં.૧, મારૂતી નિવાસ, કુબેર રેસિડેન્સી, ગ્રીડ બારડોલી રોડ, કબીલપોર, નવસારી) તેમની દિકરી સાથે રહે છે. તારીખ ૧૯ મે નારોજ ઘર નજીક રહેતા ભાઈ અનિલના દીકરાનો જન્મ દિવસ હોવાથી રાત્રે તેઓ મકાન બંધ કરી તેમને ત્યાં ગયા હતાં. તે સમયે રાત્રિના ત્રણ વાગ્યાના અરસામાં ઇકો કારમાં આવેલ એક અજાણ્યો ઇસમ બંધ મકાનનું તાળુ તોડી અંદર પ્રવેશ્યા બાદ કબાટ માંથી સોનાનો હાર તથા કાનની કડી, સોનાની ચેન, સોનાની વીટી તેમજ રૂ. ૨૫ હજાર રોકડ મળી રૂ.૨.૬૫ લાખની ચોરી કરી નાસી છૂટયો હતો. બનાવ અંગે રૂરલ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.



