વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી સરકારની કેબિનેટ બેઠકમાં બુધવારે પાંચ મહત્વના પાકના ટેકાના ભાવમાં વધારો કરવા નિર્ણય લેવાયો હતો. જેમાં ધાન સહિત કુલ ૧૪ જેટલા ખરીફ પાકોનો સમાવેશ થાય છે. ટેકાના ભાવમાં આ વધારો વર્ષ ૨૦૨૫-૨૬ની ખરીફ સીઝન માટે કરાયો છે. જે વધારો કરાયો છે તે મુજબ ડાંગરમાં ૬૯, જુવારમાં ૩૨૮, બાજરીમાં ૧૫૦, રાગીમાં ૫૯૬, મકાઇ ૧૭૫, તુવેરમાં ૪૫૦, મગમાં ૮૬, કપાસમાં ૫૮૯નો વધારો કરાયો છે. ધાનના પાકમાં પ્રતિ ક્વિંટલ ૬૯ રૂપિયાનો વધારો કરાયો છે.
તેથી હાલ ખેડૂતોને પ્રતિ ક્વિંટલ ધાનના ૨૩૬૯ રૂપિયા મળશે. તૂર દાળનો ટેકાનો ભાવ ૪૫૦ રૂપિયા વધારાયો છે. તેથી એક ક્વિંટલ તૂર દાળના ખેડૂતોને ૮૦૦૦ રૂપિયા મળશે. અડદની દાળનો ભાવ ૪૦૦ રૂપિયા વધારીને ૭૮૦૦ કરાયો છે.
અમારી સરકાર ખેડૂતોની આવક બમણી કરવા અંગે સતત નિર્ણય લઇ રહી છે. ખેડૂતો માટે વધુ એક નિર્ણય લેવામાં આવ્યો છે. ખેડૂતોના કિસાન ક્રેડિટ કાર્ડ પર ૪ ટકાના વ્યાજે લોન મળશે. ખેડૂતોને આ કાર્ડ પર ૭ ટકા વ્યાજે ત્રણ લાખ સુધીની શોર્ટ ટર્મ લોન મળે છે, માન્ય સંસ્થાઓને ૧.૫ ટકાની છૂટ અપાય છે, સમય પર લોન ભરપાઇ પર પીઆરઆઇના સ્વરૂપે ત્રણ ટકાનું પ્રોત્સાહન મળે છે, જેથી લોનનુ વ્યાજદર ચાર ટકા થઇ જાય છે. આ ઉપરાંત ઇન્ફ્રાસ્ટ્રક્ચર મામલામાં પણ સરકારે મોટો નિર્ણય લીધો છે. આંધ્ર પ્રદેશના બડવેલ નેલ્લૌર ૪ લેન હાઇવેને મંજૂરી આપી છે. જે અન્ય પાકોમાં વધારો કરાયો છે તેમાં અડદમાં ૪૦૦, મગફળીમાં ૪૮૦, સોયાબીનમાં ૪૩૬, તલમાં ૫૭૯નો સમાવેશ થાય છે. આ ઉપરાંત કેબિનેટ દ્વારા મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશમાં બે મલ્ટિ-ટ્રેકિંગ રેલવે પ્રોજેક્ટને પણ મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટમાં રતલામ-નાગડા અને વર્ધા-બલહરશાહનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ પાછળ આશરે ૩૩૯૯ કરોડનો ખર્ચ થશે.
