ડાંગ જિલ્લાનાં સાપુતારા ખાતે ફોટોગ્રાફર તરીકે કામ કરતો યુવક સાઇબરનો શિકાર બન્યો છે. જેમાં યુવકને ડ્રીમ ૧૧ પર જીતાડવાની લાલચ આપીને તેની પાસેથી ટુકડે ટુકડે કુલ રૂપિયા ૩૧,૯૯૮/- પડાવી લીધા હતા. ત્યારબાદ સાયબર ફ્રોડ થયેલ હોવાનો જણાઈ આવતા યુવકે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. મળતી માહિતી મુજબ, મૂળ બિહારનો રોશન ચંદુભાઈ મંડલ (હાલ રહે.થાનાપાડા, તા.સુરગાણા, જિ.નાશિક,મહારાષ્ટ્ર)એ ઈન્સ્ટાગ્રામ એપ્લિકેશનમાં રીલ જોઈ રહ્યો હતો.
ત્યારે એક રીલના યુઝરના વીડિયો સાથે ટેલીગ્રામ લીંક આપેલી હતી અને તે વિડિયોમાં ટેલીગ્રામ ચેનલમાં જોઈન થઈને ડ્રીમ ૧૧ ગેમ એપ્લિકેશનમાં જીતવા માટે કોન્ટેક્ટ કરવા જણાવ્યું હતુ. જેથી યુવકે તેના મોબાઇલ ઉપર આવેલ આ ઈન્સ્ટાગ્રામ એપ્લીકેશનની રીલ સાથે આપેલ લીંક ક્લિક કરીને ટેલીગ્રામ એપ્લીકેશન ખોલેલ તેમાાં એક ટેલીગ્રામ ચેનલ ખુલેલી હતી. 
બાદમાં વોટસઅપમાં મેસેજ આવેલ અને તેમાં ડ્રીમ ૧૧માં જીતાડવાની લાલચ આપીને ટુકડે ટુકડે રૂપિયા પડાવ્યા હતા અને કુલ રૂપિયા ૩૧,૯૯૮/- રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. અને બાદમાં પણ અંદાજે ૧૬,૦૦૦ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. પરંતુ યુવક પાસે આટલી રકમ ન હોય જેથી યુવકે ટ્રાંસફર કરેલા ન હતા અને યુવકે તેમને કોલ અને મેસેજ કરીને કહેલ કે, મારા રૂપિયા પાછા રીફંડ કરી આપો તો યુવકને પાછા રીફંડ નહી કરવાનુ જણાવતા અને ટ્રાંસફર કરાવેલી રકમ પાછી ખાતામાં નહીં નાખતા યુવકે આ સાયબર ફોડ અંગે સાપુતારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગે સાપુતારા પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.




