ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી કાનપુરે આજે JEE એડવાન્સ 2025નું પરિણામ જાહેર કર્યું છે. આ વખતે IIT દિલ્હી ઝોનના રજિત ગુપ્તાએ ટોપ કર્યું છે. તેણે 360 માંથી 332 ગુણ મેળવ્યા છે, પરીક્ષામાં સામેલ તમામ ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ jeeadv.ac.in પર રિઝલ્ટ જોઈ શકે છે. રિઝલ્ટની સાથે જ ફાઇનલ આન્સર કી પણ વેબસાઇટ પર જાહેર કરી દેવામાં આવી છે, જેને વિદ્યાર્થીઓ ડાઉનલોડ કરી શકે છે. JEE એડવાન્સ 2025ની પરીક્ષા 18 મેના દિવસે બે શિફ્ટમાં આયોજિત કરવામાં આવી હતી.
વિદ્યાર્થીની રિસ્પૉન્સ શીટ 22 મેના દિવસે જાહેર કરવામાં આવી હતી અને 25મેના દિવસે પ્રોવિઝનલ આન્સર કી ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. નિષ્ણાંતો અને વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર, આ વખતે ગણિતનું પેપર સૌથી અઘરૂ હતું. જોકે, ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્ર પણ એટલાં જ અઘરા હતાં. પરીક્ષામાં સફળ વિદ્યાર્થીઓ હવે JoSAA કાઉન્સિલિંગના માધ્યમથી પોતાની પસંદગીના IIT સંસ્થામાં પ્રવેશની પ્રક્રિયા શરૂ કરી શકે છે.
JEE એડવાન્સમાં પરીક્ષામાં કુલ ગુણની (એગ્રીગેટ માર્ક્સ)ની ગણતરી ગણિત, ભૌતિકશાસ્ત્ર અને અને રસાયણશાસ્ત્રમાં મેળવેલા ગુણના સરવાળાના આધારે ગણવામાં આવે છે. ઉમેદવારે રેન્ક યાદીમાં સામેલ થવા માટે માત્ર કુલ લઘુત્તમ લાયકાત ગુણ જ નહીં પરંતુ દરેક વિષયમાં લઘુત્તમ લાયકાત ગુણ પણ મેળવવાના રહેશે. આ પરીક્ષામાં મહત્તમ કુલ ગુણ 360 છે, જેમાં પેપર-1 અને પેપર-2 દરેકમાં 180 ગુણ છે. દરેક વિષય- ગણિત, ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રમાં મહત્તમ 120 ગુણ હોય છે, જેને પેપર-1 અને પેપર-2 દરેકમાં 60 ગુણમાં વિભાજિત કરવામાં આવ્યા છે.
