નવસારી જિલ્લા એલ.સી.બી. પોલીસે ચીખલી હાઈવે રોડ ઉપર દારૂ ભરેલી કારનો પીછો કરતા ખેપિયાએ તેની કાર ટાંકલ-દેગામ રોડના મીણકચ્છ ગામ પાસે કારને ઝાડ સાથે ભટકાવી દીધી હતી. ત્યારબાદ તે નાસી છૂટ્યો હતો. જ્યારે પોલીસે કારમાંથી રૂપિયા ૨.૬૨ લાખનો દારૂ કબજે કર્યો હતો. મળતી માહિતી મુજબ, નવસારી જિલ્લા એલ.સી.બી. પોલીસના પી.આઈ.ના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ પ્રોહિબિશનની કામગીરી માટે પેટ્રોલિંગમાં હતો તે વખતે તેને બાતમી મળી હતી કે, દમણથી મારુતિ સ્વિફ્ટ કારમાં જથ્થો ભરી સુરત તરફ લઈ જવામાં આવી રહ્યો છે.
જેના આધારે એલ.સી.બી. સ્ટાફે ચીખલી ઓવરબ્રિજ પાસે નાકાબંધી કરી હતી. આ સમયે બાતમીના વર્ણન વાળી સ્વિફ્ટ કાર આવી પહોંચતા પોલીસે તેને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આ વખતે કારના ચાલકે તેના કબજાની કારને પૂરઝડપે હંકારી મૂકી હતી. જેને લઈને એલ.સી.બી.ની ટીમે સરકારી વાહનમાં પીછો કરતા રોડ ઉપર ફિલ્મી દૃશ્યો સર્જાયા હતા. જોકે ખેપિયોએ કારને ટાંકલ-દેગામ રોડ ઉપર મીણકચ્છ ગામ પાસે યુટર્ન મારતી વખતે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાઈ હતી અને પોલીસ આવે તે પહેલા ખેપિયો કારને મૂકી ખેતરાડીના રસ્તે નાસી છૂટ્યો હતો. એલ.સી.બી.ની ટીમે અકસ્માતગ્રસ્ત કારની તલાશી લેતા તેમાંથી ઈંગ્લિશ દારૂની બોટલો નંગ ૯૪૮ (કિંમત રૂ. ૨,૬૨,૫૬૦) મળી આવી હતી. પોલીસે ઈગ્લિશ દારૂ અને કાર મળી રૂપિયા ૬,૬૨,૫૬૦/-નો મુદ્દામાલ કબજે કરી તેના ડ્રાઈવરને વોન્ટેડ જાહેર કર્યો હતો. બનાવ અંગે ચીખલી પોલીસે પ્રોહિબિશન એક્ટ મુજબનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
