ગાંધીનગરનાં ઝુંડાલ વિસ્તારમાં આવેલ કલ્પતરુ મિલેનિયમ સોસાયટીમાં વાહન પાર્ક કરવા જેવી નજીવી બાબતે વૃદ્ધા પર હુમલો કરવામાં આવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ ઘટનામાં વૃદ્ધ મહિલાને લાફો મારવામાં આવ્યો હતો, જ્યારે તેમના પુત્રને પણ લાકડી વડે માર મારવામાં આવ્યો હતો. બનાવ અંગે અડાલજ પોલીસમાં ચાર આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, કલ્પતરુ મિલેનિયમ સોસાયટીમાં રહેતા કપિલાબેન હર્ષદભાઈ કાપડીયાએ ફરિયાદ નોંધાવી હતી કે, તેમના ઘરની બહાર લલ્લા દાદા રાવળ નામના આરોપી વાહન પાર્ક કરી રહ્યો હતો.
કપીલાબેને તેમને પોતાના ઘર આગળ અથવા સોસાયટીના પાકગમાં વાહન મૂકવાનું કહેતા લલ્લા દાદા ઉશ્કેરાઈ ગયો હતો અને કપીલાબેનને અપશબ્દો બોલવાનું શરૂ કર્યું અને ઉદ્ધતાઈભર્યા સ્વરમાં કહ્યું કે, આ જગ્યા કોઈના બાપની નથી. વાત વણસતા, લલ્લા દાદાએ કપીલાબેનના ગાલે જોરથી લાફો મારી દીધો હતો. આ બનાવ બનતા જ કપીલાબેનનો દીકરો કરણ કાપડીયા બહાર આવ્યો હતો અને તેણે માતાને બચાવવાનો પ્રયાસ કરતા લલ્લા દાદાએ તેને પણ ગાળો આપી હતી.
લલ્લા દાદાના હાથમાં રહેલી લાકડીથી તેણે કરણના પગના ઘૂંટણ પર માર માર્યો હતો. આ દરમિયાન, લલ્લા દાદા સાથે આવેલા અન્ય ત્રણ અજાણ્યા વ્યક્તિઓએ પણ કપીલાબેન અને તેમના પુત્ર કરણને લાકડીઓથી માર માર્યો હતો અને તેમની સાથે ઝપાઝપી કરી હતી. આ હુમલાને પગલે સોસાયટીના અન્ય રહેવાસીઓ ઘટના સ્થળે ભેગા થઈ ગયા હતા. લોકો ભેગા થતા જોઈને આરોપીઓ ફરીથી સામે મળશો તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપીને ઘટનાસ્થળેથી નાસી છૂટયા હતા. આ અંગે કપીલાબેન હર્ષદભાઈ કાપડીયાએ અડાલજ પોલીસ સ્ટેશનમાં લલ્લા દાદા રાવળ અને તેની સાથે આવેલા અન્ય ત્રણ અજાણ્યા વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી હતી.
