ગાંધીનગર તાલુકાનાં ત્રણ યુવકો આ પ્રકારની છેતરપિંડીનો ભોગ બન્યા છે ઉનાવા ગામ ખાતે રહેતા અને ખેતી કરતા આકાશ રતિભાઈ પટેલે ફરિયાદ નોંધાવી હતી કે, ગત ડિસેમ્બર ૨૦૨૪ માં તે અને તેના મિત્રો ચિંતનકુમાર હરીભાઈ પટેલ અને તરુલકુમાર ઘનશ્યામભાઈ પટેલ કેનેડામાં વર્ક પરમિટ પર જવા અંગે ચર્ચા કરી રહ્યા હતા. ત્યારે તેમને સ્કાય મેકોન ઇમિગ્રેશન નામની સુરત સ્થિત કંપની વિશે જાણ થઈ હતી. ઓનલાઈન સર્ચ કરીને સંપર્ક કરતા, તેમને સુરત બોલાવવામાં આવ્યા હતા. જેથી ૧૬ ડિસેમ્બર, ૨૦૨૪ નારોજ ત્રણેય મિત્રો સુરત, વેસુ વિસ્તારમાં આવેલી સ્કાય મેકોન ઇમિગ્રેશન ઓફિસમાં ગયા હતા જ્યાં તેઓ જેનિલકુમાર શૈલેષભાઈ પ્રજાપતિને મળ્યા હતા.
જેમાં કલાકના ૨૬.૭૫ કેનેડિયન ડોલર પગાર અને કંપની દ્વારા રહેવાની સગવડ, મેડિકલ સપોર્ટ અને ઇન્સ્યોરન્સ આપવાની લોભામણી વાતો કરી હતી કેનેડા જવા માટે વ્યક્તિ દીઠ ૪૦ લાખનો ખર્ચ થશે તેમ જણાવ્યું હતું. જેથી આકાશે ૪૦ લાખ મળી ત્રણેય મિત્રોએ કુલ ૮૧ લાખ રૂપિયા જમા કરાવી દીધા હતા. તારીખ ૨૭ મે નારોજ ત્રણેય મિત્રોને તેમના અસલ દસ્તાવેજો લેવા માટે સુરત બોલાવવામાં આવ્યા હતા તેઓ ત્યાં આખો દિવસ બેસી રહ્યા પરંતુ જેનિલ પ્રજાપતિ મળ્યો નહીં. સાંજે મેસેજ કરીને બીજા દિવસે મળવાનું કહી ફોન સ્વિચ ઓફ કરી દીધો. બીજા દિવસે પણ તેમના અને ઓફિસના અન્ય કર્મચારીઓના ફોન સ્વિચ ઓફ આવ્યા અને ઓફિસ પણ ખુલી નહોતી. ત્યારથી આજ દિન સુધી તેમનો કોઈ સંપર્ક થયો નથી. જેથી તેમની સાથે છેતરપિંડી થયાનો અહેસાસ થતાં આ અંગે પેથાપુર પોલીસ મથકમાં ત્રણ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી છે.



