વ્યારાનાં કાટગઢ ગામની સીમમાં આવેલ પી.પી. સવાણી હાઈસ્કુલની સામે સોનગઢથી સુરત તરફ જતાં નેશનલ હાઈવે ઉપર કાર અડફેટે આવતાં બાઈક પર સવાર ત્રણ જણા પૈકી એક ૧૯ વર્ષીય યુવક અને ૭૨ વર્ષીય વૃદ્ધનું ગંભીર ઈજાને કારણે ઘટના સ્થળ ઉપર મોત નિપજ્યું હતું. જયારે આ અકસ્માત સર્જી કાર ચાલક પોતાની કાર સ્થળ ઉપર મૂકી ફરાર થઈ ગયો હતો.
બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, સોનગઢનાં ચાકડીયા ગામનાં મોટું ફળિયામાં રહેતો નિરજભાઈ નિલેશભાઈ ગામીત (ઉ.વ.૧૯) અને જમાભાઈ કેસાભાઈ ગામીત (ઉ.વ.૭૨., રહે.ચકડીયા ગામ, ડુંગરી ફળિયું, સોનગઢ) તથા તેમના શેઠ ભાવિકભાઈ મુકેશભાઈ પટેલ નાઓની બાઈક નંબર જીજે/૦૫/એનજે/૮૫૧૭ને લઈ તારીખ ૦૩/૦૬/૨૦૨૫ નાંરોજ શિવ શક્તિ ટ્રેડીંગ કંપનીમાંથી વિરપુર ગામે આવેલ ભારત પેટ્રોલપંપ ઉપર ડિઝલ લેવા માટે નીકળ્યા હતા અને કાટગઢ ગામે આવેલ પી.પી.સાવાણી હાઇસ્કુલની સામે સોનગઢથી સુરત તરફ જતા નેશનલ હાઈવે ઉપરથી પસાર થતા હતા.
તે સમયે એક ટોયોટા કંપનીની ફોર વ્હીલ કાર નંબર જીજે/૧૬/સીએન/૯૧૮૯નાં ચાલકે પોતાની કાર ચલાવી લાવી બાઈકને અડફેટ લેતા અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં બાઈક પર સવાર નિરજભાઈને માંથામાં ગંભીર ઇજા પહોંચી હતી તેમજ જમણા પગનાં પંજાના ભાગે ફેક્ચર થયું હતું અને જમાભાઈને પણ માંથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી તેમજ બંને પગમાં ફ્રેક્ચર સહિતની ઇજા પહોંચતા બંનેનું ઘટન સ્થળ ઉપર મોત નિપજ્યું હતું. બનાવ અંગે કાકરાપાર પોલીસ મથકે નિલેશભાઈ દેવજીભાઈ ગામીતે તારીખ ૦૪/૦૬/૨૦૨૫ નાંરોજ અકસ્માત સર્જનાર કાર ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. જયારે આ અકસ્માતમાં એકનાં એક દીકરાએ જીવ ગુમાવતા પરિવારમાં દુઃખની લાગણી છવાઈ ગઈ હતી.
