તાપી જિલ્લાના વન વિભાગના નાયબ વન સંરક્ષકશ્રી સચિન ગુપ્તાનાં માર્ગદર્શન હેઠળ મલંગદેવ રેન્જ ખાતે તારીખ 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીનાં ભાગરૂપે વિશિષ્ટ બીજ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. તાપી જિલ્લાના જંગલમાં લુપ્ત થઈ રહેલા વિવિધ વૃક્ષોના બીજનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મલંગદેવ ગામની પ્રાથમિક શાળાના બાળકો, માધ્યમિક શાળાના બાળકો તથા ગ્રામજનોએ મળી વન વિભાગ દ્વારા આયોજિત કરવામાં આવેલા બીજ મેળામાં જંગલની મહત્તા અને વન સંપદા વિષે સમજ મેળવી હતી. આ એક્ઝીબીશનમાં અતિ દુર્લભ બીજ તેમજ ઔષધીય વનસ્પતિને કેવી રીતે ઓળખવી જોઈએ તેમજ કયા રોગમાં કઈ વનસ્પતિ કામ લાગી શકે તે વિષે માહિતગાર કરવામાં આવ્યા હતા. માર્ગદર્શન સેમીનારની સાથે સીડ બોલ બનાવવામાં આવ્યા હતા.
આવા ૧૦ હજાર જેટલા સીડબોલ બનાવી અલગ અલગ જગાએ સીડ બોલ ફેકવામાં આવ્યા હતા. વનને હરિયાળું બનાવવા માટે સર્વે ભાગીદારી પૂર્વક સામેલ થયા હતા. ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની આ વખતની થીમ ‘એન્ડિંગ પ્લાસ્ટિક પોલ્યુશન ગ્લોબલી’ને સાકાર કરવા માટે શાળાના બાળકો તેમજ ગ્રામજનોએ મળી સફાઈ અભિયાન હાથ ધરી પ્લાસ્ટિકના કચરાને નિકાલ કરવા માટે સ્વચ્છતા શપથ લઈ જાગૃતિ કેળવી હતી. માધ્યમિક શાળાના કમ્પાઉન્ડમાં ૧ હજારથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.
આવનાર દિવસોમાં તાપી જિલ્લાના વન વિભાગ હસ્તકની ૧૦ રેન્જ પૈકી મલંગદેવ રેન્જમાં ૩,૪૫,૨૬૦ જેટલા સ્થાનિક વૃક્ષોની જાત અને લુપ્ત થઈ રહેલા બીજી જાતને વાવેતર કરવામાં આવશે. આ સમગ્ર કાર્યક્રમમાં મલંગદેવ રેન્જના તમામ વન અધિકારીશ્રીઓ, વન કર્મચારીઓ, પ્રાથમિક અને માધ્યમિક શાળાના શિક્ષકો, બાળકો જોડાયા હતા. આપણો જિલ્લો હરિયાળો બનાવવા માટે પર્યાવરણ દિન નિમિતે આપણે પણ સંકલ્પ લઈએ કે વધુ વૃક્ષો વાવીને તેમજ પાણી બચાવીને આવનારી પેઢીને આપણે પ્રદુષણ અને અશુદ્ધ હવાના દુષણમાંથી બચાવી લઈએ.
