દેશમાં ફરી એકવાર કોરોનાના કેસ વધી રહ્યા છે. આરોગ્ય મંત્રાલયના તાજેતરના આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 391 નવા કેસ નોંધાયા છે, જ્યારે 4 લોકોના મોત થયા છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા વધીને 5,755 થઈ ગઈ છે. નિષ્ણાતોએ સતર્ક રહેવા અને માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ અને નિયમિત સેનિટાઈઝેશન જેવી મૂળભૂત સાવચેતીઓ રાખવા પર ભાર મૂક્યો છે. મહારાષ્ટ્રમાં કોરોનાના 114 નવા કેસ નોંધાયા છે. આ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં કુલ કેસોની સંખ્યા વધીને 1,276 થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં કોરોનાથી વધુ એકનું મૃત્યુ નોંધાયું છે. આ સાથે મૃત્યુઆંક 18 થયો છે.
પશ્ચિમ બંગાળમાં 58 અને દિલ્હીમાં 30 કેસ નોંધાયા છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 170 કેસ નોંધાયા છે. આ સાથે જ એક્ટિવ કેસનો 717 થઈ ગયો છે. હાલમાં માત્ર 23 દર્દીઓ જ એવા છે જેમને હૉસ્પિટલમાં સારવાર લેવી પડી રહી છે, જ્યારે 694 દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે. છેલ્લા 24 કલાકમાં વધુ 68 દર્દીઓ સાજા થઈ ગયા છે અને કોઈ મૃત્યુ નોંધાયું નથી. કોરોનાના વધતાં જતાં કેસોને ધ્યાનમાં રાખીને, કેન્દ્ર સરકારે કોરોના વાયરસ માટે સુવિધા-સ્તરની તૈયારી ચકાસવા માટે મોક ડ્રીલ કરવા માટેની સૂચનાઓ આપી છે. બધા રાજ્યોને ઑક્સિજન, આઇસોલેશન બેડ, વેન્ટિલેટર અને આવશ્યક દવાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે કહેવામાં આવ્યું છે. અહેવાલો અનુસાર, મોટાભાગના કેસોમાં હળવા લક્ષણો જોવા મળ્યા છે અને તેમને ઘરે જ અલગ રાખવામાં આવી રહ્યા છે અને તેમની સંભાળ રાખવામાં આવી રહી છે. આ વર્ષે જાન્યુઆરીથી દેશમાં 55 મૃત્યુ નોંધાયા છે. 22મી મેના રોજ દેશમાં કુલ 257 સક્રિય કેસ હતા. ત્યારથી, કોરોનાના કેસોમાં અચાનક વધારો થયો છે.
