હવામાન વિભાગના એક અધિકારીએ એવી માહિતી આપી હતી કે તારીખ 12 અને 13 મે દરમિયાન બંગાળના ઉપસાગરમાં એક ખાસ પ્રકારની સિસ્ટમ સર્જાવાની શક્યતા છે. જોકે મોડેલ્સ દ્વારા જે નિર્દેશ મળે છે તેને કારણે દ્વિધા પણ સર્જાવાની શક્યતા છે. એટલે કે અમુક મોડેલ્સ એવો નિર્દેશ કરે છે કે બંગાળના અખાતમાં સિસ્ટમ સર્જાશે જ્યારે કેટલાંક મોડેલ્સ ના કહે છે. એટલે જ અમારી અગાહીમાં આ નિર્દેશોનો સમાવેશ કરવો કે નહીં તે વિશે ચોક્કસ નથી. બીજી બાજુ એક્સટેન્ડેડ રેન્જ ફોરકાસ્ટ એમ કહે છે કે, હવામાનની ચોક્કસ સિસ્ટમ સર્જાય કે ન સર્જાય તો પણ અમુક ચોક્કસ સમયગાળામાં ચોમાસુ આપમેળે જ ફરીથી સક્રિય થાય છે.
હવામાન વિભાગના એક અધિકારીએ એવી માહિતી આપી હતી કે, હવે પછી ચોમાસુ ફરીથી સક્રિય થશે એટલે આખા મધ્ય ભારતમાં મૂશળધાર વર્ષા થવાની શક્યતા છે. સાથોસાથ દેશના જે જે હિસ્સામાં ચોમાસાનું આગમન થઈ ગયું છે તે વિસ્તારો સહિત મહારાષ્ટ્રમાં પણ સારો વરસાદ વરસવાની સંભાવના છે. વળી વરસાદી પવનોની પણ સારી અસર થશે.
અમુક વિસ્તારોમાં તો સામાન્ય કરતાં પણ વધુ વરસાદ થવાની સંભાવના છે. બીજી બાજુ હવામાનની આગાહી કરતી ખાનગી સંસ્થા સ્કાયમેટના વડાએ એવો સંકેત આપ્યો છે કે, બંગાળના અખાતમાં ચોમાસાની સિસ્ટમ સર્જાવાની પૂરી શક્યતા છે. તારીખ 10 જૂન દરમિયાન બંગાળના ઉપસાગરના પશ્ચિમ-મધ્ય હિસ્સા ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર થવાની સંભાવના છે. ખાસ કરીને 11 જૂનથી સમુદ્ર પટ્ટી પર હવામાનના પરિબળો ફરીથી સક્રિય થવાની શક્યતા છે. આ ફેરફારથી આંધ્રપ્રદેશ અને તામિલનાડુમાં ભારે વરસાદ વરસવાની સંભાવના છે. સાથોસાથ મહારાષ્ટ્ર સહિત કર્ણાટક, તેલંગણામાં પણ મૂશળધાર વર્ષા થાય તેવા સાનુકુળ પરિબળો છે.
