સોનગઢ તાલુકાના કણજી ગામે ખેતીની જમીનમાંથી ગ્રામ પંચાયતનો રસ્તો જતા જમીન માલિકને પંચાયત દ્વારા અવેજમાં ગૌચરની જમીન ફાળવી હતી. જેમાં કેટલાક લોકોએ દબાણ કરી પાકા મકાનો બાંધી દેતા ગ્રામ પંચાયતે નોટિસ ફટકારી હતી. જેની અદાવત રાખી દબાણકર્તાઓના સંતાનોએ જમીન માલિક દંપતીને એક સંપ થઈ કપડાં ધોવાની લાકડાની થાપી મારી શરીરે ફ્રેક્ચર કરતા બે મહિલા સહિત ચાર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
મળતી માહિતી મુજબ, સોનગઢ તાલુકાના કણજી ગામે નિશાળ ફળિયામાં રહેતા નગીનભાઈ રડતીયાભાઈ ગામીત (ઉ.વ.૬૦)ને સંતાનમાં એક દીકરો અને દીકરી છે. જેઓના લગ્ન થઈ ગયા છે. જેમાં પુત્ર તેની સાસરીમાં રહે છે. નગીનભાઈ ગામીત પત્ની જશુબેન સાથે રહી ખેતી કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે. ગામમાં જેનો જૂનો સર્વે નંબર ૨૨/૨ તથા નવો સર્વે નંબર ૩૦ વાળી આવેલી ખેતીની જમીન તેઓ કરે છે.
તેમને ફાળવેલ જમીનમાં ગામના કેટલાક લોકોએ ગેરકાયદેસર રીતે દબાણ કરી પાકા મકાનો બનાવી દિશા હતા. જેથી ગ્રામ પંચાયત દ્વારા તમામ દબાણકર્તાઓને ત્રણ માસ પહેલા નોટિસ આપી હતી અને હાલ ઘરનું કામ ચાલુ કરનાર રમણભાઈ વેચીયાભાઈ ગામીતને પણ કામ બંધ કરાવી ત્રણ દિવસ પહેલા જ નોટિસ આપી હતી. જે વાતની અદાવત રાખી દબાણકર્તા પરિવારજનો પ્રિયંકાબેન અમરભાઈ ગામીત, અમરભાઈ રમણભાઈ ગામીત, દિવ્યેશભાઈ ગોપાલભાઈ ગામીત (ત્રણેય રહે. નિશાળ ફળિયું, કણજી, તા.સોનગઢ) તથા હીનાબેન રાયસીંગભાઈ ગામીત (રહે.સાદડવેલ, તા.સોનગઢ) નગીનભાઈ અને તેની પત્ની જશુબેન સાથે બોલાચાલી કરી ઝઘડો શરૂ કર્યો હતો.
દરમિયાન ગુરુવારે જશુબેન ઘરે એકલા હોય આ બે મહિલા સહિત ૪ જણાએ ફળિયામાં સ્વાધ્યાય પરિવારના ઘર મંદિર સામે જાહેરમાં જશુબેન સાથે બોલાચાલી કરી ઢીક-મુક્કીના માર માર્યો હતો. તે વખતે હિના ગામીતે તેની હાથમાં રહેલી કપડાં ધોવાની લાક્ડાની થાપી વડે ડાબા પગમાં ઘૂંટણના નીચે નાળાના ભાગે, પીઠના ભાગે તથા પગમાં માર મારી ફેક્ચર કર્યું હતું. તે દરમિયાન ખેતરે ગયેલા નગીનભાઈ ગામીત આવી પહોંચતા તેમને પણ હિના ગામીતે થાપીથી જમણા કાન, જમણા હાથના કાંડા ઉપર તથા પીઠ પર માર મારી જમીન પર પાડીને તમામને ઢીક-મુક્કીથી તથા લાતોથી માર મારી જાનથી મારવાની ધમકી આપી હતી. જોકે ઈજાગ્રસ્તોને વ્યારા જનરલ હોસ્પિટલમાં સારવાર કરાવી ગુન્હામાં સામેલ બે મહિલા પ્રિયંકા ગામીત અને હિના ગામીત તથા અમર ગામીત અને દિવ્યેશ ગામીત સામે નગીનભાઈ ગામીતે શુક્રવારે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
