કોરોના વાયરસના ઓમિક્રોન વેરિયન્ટની ચાલી રહેલી લહેર હાલના દિવસોમાં દુનિયા માટે ચિંતાનું કારણ બની છે. હોંગકોંગ અને સિંગાપુરથી શરૂ થયેલું સંક્રમણ મામલે ભારતમાં ઝડપથી વધી રહ્યું છે. અંદાજિત 15 દિવસમાં જ ભારતમાં કોરોના વાયરસના એક્ટિવ કેસ 30 ગણા વધી ગયા છે. 22 મેના રોજ કુલ એક્ટિવ કેસ 257 હતા, જે 8 જૂન સુધીમાં વધીને 6133 થઈ ગયા છે. દરરોજ કોરોનાથી મોતના કેસ પણ નોંધાઈ રહ્યા છે. કેરળમાં હજુ પણ સૌથી વધુ કોરોનાના કેસ છે. અહીં કોરોનાના કુલ 1950 કેસ છે. ગત 24 કલાકમાં તેમાં 144 કેસનો વધારો થયો છે.
ત્યારબાદ ગુજરાતમાં 822, દિલ્હીમાં 686, મહારાષ્ટ્રમાં 595, કર્ણાટકમાં 366, ઉત્તરપ્રદેશમાં 291, તમિલનાડુમાં 194, રાજસ્થાનમાં 132 અને હરિયાણામાં 102 કોરોનાના કેસ નોંધાયા છે. આ તમામ આંકડા ગતરોજ નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં થયેલા મોતની વાત કરીએ તો કેરળમાં ત્રણ કોરોનાના દર્દીના મોત થયા છે. જ્યારે કર્ણાટકમાં બે દર્દીના મોત થયા છે. આ સિવાય તમિલનાડુમાં એક દર્દીનું મોત થયું છે. ડોક્ટરનું કહેવું છે કે, કોવિડ 19નાં કેસમાં સતત થઈ રહેલો વધારો ચિંતાનો વિષય જરૂર છે.
પરંતુ તેનાથી ડરવાની જરૂર નથી. દેશમાં ફેલાઈ રહેલો સબ-વેરિયન્ટ ઓમિક્રોન સ્ટ્રેન ફેમિલીનો જ છે, જેના લક્ષણ વધુ પડતા લોકોમાં હળવા, કેટલાક લોકોમાં એસિમ્ટોમેટિક અને સામાન્ય જનતા માટે ઘણી હદ સુધી નુકસાનકારક નથી. જો કે, તમામ લોકોને બચાવના ઉપાયો પર ગંભીરતાથી ધ્યાન આપવાની જરૂર છે. જે લોકોની રોગપ્રતિકારક શક્તિ સારી છે, તેમનામાં આ સંક્રમણની અસર નથી થઈ રહી. પરંતુ ચિંતાની વાત એ છે કે સંક્રમિત લોકો વાયરસના વાહક જરૂર થઈ શકે છે, જેનાથી તે લોકોમાં સંક્રમણ ફેલાવાનો ખતરો રહે છે, જે પહેલાથી બીમાર છે અથવા વૃદ્ધ છે. આવા લોકોમાં ગંભીર રોક વિકસિત થઈ શકે છે. એટલા માટે જરૂરી છે કે તમામ લોકો સંક્રમણથી બચવાના ઉપાય કરતા રહે.
