નડિયાદ પાસેથી પસાર થતાં અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવેના વળાંક પાસેથી ૧૬ દિવસ પહેલા યુવાનની લાશ મળી આવી હતી. ટ્રક ચાલક અને ક્લિનર વચ્ચે બોલાચાલી થઇ હતી. જેમાં ઉશ્કેરાઇને ટ્રક ચાલકે લોખંડનું પાનું મારી ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના સંગપુર ગામના ક્લિનરની હત્યા કરી હતી અને હાઇવેના વળાંક પર યુવાનની લાશ ટ્રક ચાલકે નાખી ફરાર થઇ ગયો હોવાનો પર્દાફાશ થયો છે. બનાવ અંગે નડિયાદ ટાઉન પોલીસે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, નડિયાદ પાસેથી અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર વળાંકના ખાડામાંથી તા.૨૭.૦૫.૨૦૨૫ નારોજ ૩૨ વર્ષના યુવકની લાશ મળી હતી. આ કેસમાં નડિયાદ ટાઉન પોલીસે મૃત્યુનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.
ઘરેથી લાપત્તા યુવાનના વાલી વારસો શોધખોળ કરતા હતા. આ મૃતક ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાનાં સેગપુર ગામનો હોવાનું જાણવા મળ્યું છે. 
પરંતુ પત્તો નહીં લાગતા તા.૨૯ મી મે નારોજ અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુમ થવાની જાણવા જોગ નોંધાવી હતી. દરમિયાન અંકલેશ્વર પોલીસે નડિયાદ પાસે અજાણ્યા યુવાનની લાશ મળી હોવાથી જાણ કરતા રાજેશ વસાવાએ પરિવાર સાથે દોડી જઇને તપાસ કરી હતી. આ પહેલા ગામના અર્જુન વસાવાએ હકિગત રાજેશ વસાવા અને તેમના પરિવારને જણાવી હતી કે, હું અને તમારો ભાઇ માલ ભરીને અમદાવાદ ગયા હતા. અમદાવાદથી માલ ખાલી કરી આઇશર લઇને તા.૨૪ મેના રોજ પરત આવતા હતા. ત્યારે અમદાવાદથી વડોદરા એક્સપ્રેસ હાઇવે પર નડિયાદ પાસે અજય ગાળો બોલતો હતો અને ગુસ્સો આવતા આવેશમાં આવી આઇશર ગાડીમાં રાખેલું લોખંડનું પાનું અજયના છાતી અને બરડા પર મારતા બેભાન થઇ ગયો હતો. તપાસ કરતા અજય મૃત્યુ પામ્યો હોવાનું જણાતા ગભરાઇ ગયો હતો. અજયની લાશને એક્સપ્રેસ હાઇવે પર નડિયાદના વળાંક પાસે રોડના બાજુમાં ખાડામાં નાખી દીધી હતી. બનાવ અંગે રાજેશ વસાવાએ નડિયાદ પોલીસ સ્ટેશનમાં અર્જુન લક્ષ્મણ વસાવા સામે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.



