Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

રાજ્યમાં આવતીકાલે લોક રક્ષક દળની પરીક્ષા, પરીક્ષાનાં પેપરો સેન્ટરો પર પહોંચાડવા અને પાછા લાવવા માટેની કામગીરીની ડીવાયએસપી કક્ષાનાં અધિકારીઓ મોનિટરિંગ કરશે

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

વડોદરા સહિત આખા ગુજરાતમાં આવતીકાલે તારીખ 15 જૂન એટલે કે રવિવારે લોક રક્ષક દળની પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષાના આયોજન માટે વડોદરા શહેરમાં પોલીસ તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. પરીક્ષા આપવા આવનારા અન્ય વિભાગો સાથે પણ સંકલન સાધવામાં આવ્યું છે. આજે પરીક્ષાની તૈયારીઓની પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે ચકાસણી કરી હતી. તેમણે પેપરો જ્યાં મૂકવામાં આવે છે તે સ્ટ્રોંગરૂમની પણ મુલાકાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, વડોદરા શહેરના 119 કેન્દ્રો પર 35000 જેટલા ઉમેદવારો પરીક્ષા આપશે. આ ઉમેદવારો રાજ્યના અલગ અલગ જિલ્લામાંથી આવશે. તેમને તકલીફ ના પડે તે માટે રેલવે સ્ટેશન, એસટી ડેપો ખાતે હેલ્પ સેન્ટર પણ ઉભા કરવામાં આવશે.

પરીક્ષાના પેપરો સેન્ટરો પર પહોંચાડવા માટે અને પાછા લાવવા માટેની કામગીરીનું ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ મોનિટરિંગ કરશે. સાથે સાથે પોલીસ તંત્રના અધિકારીઓએ રીક્ષા ચાલકોના યુનિયનના હોદ્દેદારો તેમજ એસટી વિભાગના અધિકારીઓ સાથે પણ બેઠક યોજી હતી. ઉમેદવારો માટે સેન્ટ્રલ એસટી ડેપો અને નવલખી મેદાન ખાતે એસટી બસો મૂકવામાં આવનાર છે. ઉપરાંત રેલવે સ્ટેશન, બસ ડેપોની બહાર અને નવલખી મેદાન ખાતે પૂરતા પ્રમાણમાં રીક્ષાઓ ઉપલબ્ધ રહે તે માટે યુનિયનના હોદ્દેદારોને સૂચના આપવામાં આવી છે.

નરસિમ્હા કોમારે વધુમાં કહ્યું હતું કે, ઉમેદવારો પરીક્ષા સમયે કેન્દ્રો પર સમયસર પહોંચી શકે તેને ધ્યાનમાં રાખીને ટ્રાફિક જામ ના સર્જાય તે માટે પણ પોલીસ તંત્ર સતર્ક રહેશે. સાથે સાથે પરીક્ષા કેન્દ્રોના 100 મીટરની અંદર ફોટો કોપી સેન્ટરો બંધ રહે તેનું ધ્યાન રખાશે. વડોદરા એસટીના વિભાગીય એસટી નિયામક વિકલ્પ શર્માએ કહ્યું હતું કે, વડોદરામાં મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, ભાવનગર એમ સાત જિલ્લાના ઉમેદવારો પરીક્ષા આપવા આવનાર છે. જેમને પાછા જવા માટે 400 જેટલી એસટી બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. આ પૈકી બનાસકાંઠા અને મહેસાણાના 14,000 ઉમેદવારો માટે નવલખી મેદાન ખાતે અને બાકીના જિલ્લાના ઉમેદવારો માટે સેન્ટ્રલ એસટી ડેપો ખાતે બસો મૂકવામાં આવશે. ઉમેદવારોને પોતાના જિલ્લા પ્રમાણે પરીક્ષા બાદ ઉપરોકત સ્થળોએ પહોંચવા માટે અપીલ કરવામાં આવી છે. ઉમેદવારો માટે આકરી ગરમી પણ પડકાર બની રહેશે. પરીક્ષાનો સમય તો 9.30 વાગ્યાનો છે પણ પરીક્ષા બપોરે 12.30 સુધી ચાલનાર છે. પરીક્ષા સવારે હોવાથી ઘણા ઉમેદવારો આગલા દિવસથી જ વડોદરામાં આવી ગયા છે.

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!