અરૂણાચલ પ્રદેશમાં મૂશળધાર વરસાદે તબાહી મચાવી છે. આ ભારે વરસાદના કારણે અરુણાચલ પ્રદેશનો અંજાવ જિલ્લો છેલ્લા આઠ દિવસથી દેશના બાકીના ભાગોથી સંપૂર્ણપણે સંપર્કવિહોણું થઈ ગયું છે. આ ભારે વરસાદમાં ભારત-ચીન અને ભારત-મ્યાનમાર સરહદને જોડતા નેશનલ હાઈવે-113 ધોવાઈ ગયો છે. આના કારણે આ રસ્તો પણ ઉપયોગ કરવા યોગ્ય નથી રહ્યો. આ હાઈવેના અરોવા-ખુપા-હયુલિયાંગના મોનપાની સેક્શન પર પણ સ્થિતિ સારી નથી. આ કારણે સ્થાનિક લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ સાથે જ ચીની સરહદને અડીને આવેલા વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ વિસ્તારોમાં પહોંચવું પણ મુશ્કેલ બની રહ્યું છે. રસ્તો બંધ થવાને કારણે દૂરના કિબિથૂ અને ચગલાગામ સુધી પહોંચવું મુશ્કેલ બની ગયું છે.
આ બંને વિસ્તારો વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તે ચીન અને મ્યાનમારની સરહદ સાથે જોડાયેલા છે.
આ વચ્ચે મહિલા અને બાળ વિકાસ મંત્રી અને આ વિસ્તારના ધારાસભ્ય દાસાંગ્લૂ પુલે જમીન પર પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું. તેમણે કહ્યું કે મોનાપાનીમાં કામ ચાલી રહ્યું છે. અધિકારીઓ આ માટે સંપૂર્ણ સમર્પણ સાથે કામ કરી રહ્યા છે. આ ઉપરાંત ફસાયેલા લોકોને મદદ કરવા માટે હેલિકોપ્ટર સેવા પણ શરૂ કરવામાં આવી છે. મંત્રી પુલે એ પણ જણાવ્યું કે, ‘ભવિષ્યમાં કોઈ સમસ્યા આવે તો તેનો ઉપયોગ કરી શકાય તે માટે એક કામચલાઉ રસ્તાને મંજૂરી આપવામાં આવી છે. એક વાર પરિસ્થિતિ સામાન્ય થયા પછી આ નવા રસ્તા માટે કામ શરૂ થશે. NH-113 કોરિડોરના મહત્વ પર ભાર મૂકતા મંત્રીએ કહ્યું કે, આ રસ્તો હાઈવે કરતા મહત્ત્વપૂર્ણ છે. તે જીવનરેખા છે. હું લોકોને શાંતિ અને સહયોગ જાળવવા અપીલ કરું છું. લોકોની સમસ્યાઓના ઉકેલ માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
