ગુજરાતમાં ચોમાસાની પધરામણી વચ્ચે ભાવનગરમાં પણ આજે આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. જેમાં ભાવનગરના જેસરમાં 9 ઇંચ વરસાદ ખાબકી જતાં ચારેકોર પાણી જ પાણીની સ્થિતિ સર્જાઈ હતી. આ દરમિયાન બુઢણાથી પાલિતાણાને જોડતાં કોઝ વેની રેલિંગ ધોવાઈ ગઈ હતી. જ્યારે પાલીતાણા, મહુઆ અને વલ્લભીપુરમાં વરસાદે જળબંબાકારની સ્થિતિ સર્જી હતી. ભારે વરસાદને પગલે અનેક નદીઓ બે કાંઠે વહેતી થઈ હતી. રાજ્યમાં આજે સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા દરમિયાન 163થી વધુ તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં આજે સવારે 6 વાગ્યાથી બપોરના 6 વાગ્યા દરમિયાન 163થી વધુ તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ ભાવનગરના જેસરમાં 10.12 ઇંચ વરસાદ ખાબક્યો છે.
જ્યારે ભાવનગરના પાલીતાણામાં 9.72 ઇંચ, સિહોરમાં 9.61 ઇંચ, ભાવનગરના મહુવામાં 8.54 ઇંચ, અમરેલીના સાવરકુંડલામાં 8.27 ઇંચ, અમરેલીના રાજુલામાં 7.2 ઇંચ અને અમેરલીમાં 5.24 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ભાવનગર જિલ્લાના મહુવાના તલગાજરડા પંથકમાં ભારે વરસાદ વરસ્યો છે, કેટલીક જગ્યાએ ઘૂંટણથી લઈ કેડસમા પાણી ભરાયા. જેના કારણે ગામ સંપર્ક વિહોણું બન્યું છે. આ સ્થિતિ વચ્ચે ગામની એક શાળાના 20થી વધુ વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા હતા. ભારે વરસાદથી વોકળામાં પાણીનો ધસમસતો પ્રવાહ વધી જતા વિદ્યાર્થીઓ ફસાઈ ગયા હતા. તંત્રને જાણ કરાતાં ફાયર બ્રિગેડ તેમજ તંત્ર, પોલીસ, સ્થાનિક લોકોની મદદથી સ્કૂલમાં ફસાયેલા વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂ કરી લેવામાં આવ્યું હતું.
ગુજરાતમાં ચોમાસાની શરુઆત પહેલાં જ પ્રી-મોન્સૂન ગતિવિધિઓ સક્રિય થઈ ગઈ છે. ત્યારે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પવન ફૂંકાવા સાથે હળવાથી ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. તેવામાં આજે બપોરના સમયે અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ શરુ થયો છે. જેમાં શહેરના SG હાઈવે, પ્રહ્લાદનગર, ગોતા સહિતના વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે મળતી માહિતી અનુસાર, ભાવનગરના મહુવા, પાલિતાણા અને વલ્લભીપુરમાં વહેલી સવારથી પડી રહેલા ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે. પાલિતાણાના દુધાળા, ઘેટી, નાની માળ, આદપુર સહિત ગામડાઓમાં વાવણી લાયક વરસાદ થયો છે. આ ઉપરાંત શિહોરના વરલ, બુઢણા ગામે સુપડા ધારે વરસાદ વરસ્યો છે. જ્યારે વરલ ગામની નદી ખોડાપુર વરલથી ભાખર જવાનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે. અમરેલી જિલ્લાના અનેક તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.
રાજુલા, સાવરકુંડલા, બાબરા, ધારી, બગસરા અને ખાંભામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. સાવરકુંડલાના થોરાળી નદી ઉપર ચેકડેમ ઓવરફ્લો થતાં નેરડામાં બળદ ગાડા સાથે પિતા-પુત્ર તણાયા હતા. આ ઘટનામાં પાણીમાં તણાવાથી એક વ્યક્તિનું મોત થયું હતું. આ ઉપરાંત ફલકુ અને મેરામણ નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આજે 16 જૂને અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે અત્યંત ભારે વરસાદને લઈને રૅડ ઍલર્ટ જાહેર કર્યું છે. જ્યારે રાજકોટ, બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ, ભરુચ, તાપી, ડાંગ જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ અને દેવભૂમિ દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કર્યું છે.
