કોચ્ચિથી દિલ્હી જઈ રહેલી ઈન્ડિગો એરલાઇન્સની એક ફ્લાઇટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી બાદ નાગપુર એરપોર્ટ પર તેની ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવી છે. સુરક્ષા એજન્સીઓએ સલામતીને ધ્યાને લઈને વિમાનનું નાગપુર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું, જ્યાં તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢી વિમાનની તપાસ કરવામાં આવી હતી. વિમાનમાં બોમ્બની ધમકી મળ્યા બાદ પ્રોટોકોલ હેઠળ તુરંત ઈમરજન્સી બેઠક બોલાવવામાં આવી હતી.
કારણ કે, ધમકીમાં ફ્લાઇટ નંબર પણ સ્પષ્ટ રૂપે આપવામાં આવ્યો હતો. જોકે, ધમકી મળી ત્યાં સુધી ફ્લાઇટ કોચ્ચિથી ઉડાન ભરી ચુકી હતી, જેને સુરક્ષાના કારણોસર નાગપુર એરપોર્ટ તરફ વળાવી દેવાયું હતું. હાલ, વિમાન અને મુસાફરોની તપાસ કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે, શુક્રવારે થાઇલેન્ડના ફુટેકથી નવી દિલ્હી આવી રહેલા એર ઈન્ડિયાના વિમાન AI-379ને પણ બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી હતી. ત્યારબાદ વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. ફુકેટ એરપોર્ટના અધિકારીઓએ જાણકારી આપી હતી. એક અધિકારીના જણાવ્યા અનુસાર, ઈમરજન્સી પ્રોસીઝરનું પાલન કરતા તમામ મુસાફરોને વિમાનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. એર ઈન્ડિયાના આ વિમાનમાં 156 મુસાફરો સવાર હતા.
