કુકરમુંડા ગામમાં ભાઇઓ ભાઈઓ વચ્ચે ઘરની જગ્યાનાં ભાગ હિસ્સા મુદ્દે થયેલ ઝઘડાની તકરારમાં બે નાના ભાઈઓએ મોટા ભાઈનું ગળું દબાવી હત્યા કર્યાની ઘટનાને લઈ પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. હત્યાના આરોપી બે ભાઈઓની પોલીસે ગણતરીનાં કલાકોમાં અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, તાપી જિલ્લાના છેવાડાનો તાલુકો કુકરમુંડામાં બે નાના ભાઈઓએ મિલકતની તકરારમાં મોટા ભાઈની હત્યા કરી છે.
કુકરમુંડા ગામના ગોકુળ ફળિયાનાં રહીશ શરદભાઈ માનસિંગભાઈ પાડવી (ઉ.વ.૨૫) અને તેમના નાના ભાઈઓ શંકરભાઈ માનસિંગભાઈ પાડવી (ઉ.વ.૨૩), વિપુલ માનસિંગભાઈ પાડવી (ઉ.વ.૨૧) વચ્ચે ઘરની જગ્યાના ભાગ અને હિસ્સા બાબતે ગત તારીખ ૧૬/૦૬/૨૦૨૫ નાંરોજ રોશનભાઈ હુસેનભાઈ પાડવીના ઘર પાસે રોડ ઉપર ઝઘડો થયો હતો અને ત્રણેય ભાઇઓ વચ્ચે બોલાચાલી, ઝઘડો અને ઝપાઝપી ખેંચતાણ વચ્ચે શંકરભાઈએ લાકડા વડે શરદભાઈને મારવા જતા હતા.
તે દરમિયાન ત્યાં હાજર રોશનભાઇ પાડવીએ જેમને પકડી લીધા હતા. ઝઘડા દરમિયાન નાનાભાઇ વિપુલ પાડવીએ આવીને શરદભાઇનું ગળું દબાવી શ્વાસ રૂંધાવી દેતા જેઓનું મોત નિપજ્યું હતું. મોટા ભાઈનું જાહેરમાં ગળું દબાવી હત્યા કરવા બદલ બે નાના ભાઈ સામે ગુનો નોંધાયો હતો. મૃતકનાં પેનલ પોસ્ટમોર્ટમ દરમિયાન તેનું શ્વાસ રૂંધાવાથી મોત થયાનો રિપોર્ટ આવતા હત્યાનો ગુનો નોંધી કુકરમુંડા પોલીસ સ્ટેશનના પી.આઇ. તથા પોલીસે તપાસ હાથ ધરી તાત્કાલિક ભાઈની હત્યા કરનારા બે સગાભાઈઓ શંકરભાઈ અને વિપુલ પાડવીની અટકાયત કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
