હૈદરાબાદના બેગમપેટ એરપોર્ટ પર આજે સવારે એરપોર્ટ ઓથોરિટીને ઈમેલ દ્વારા ધમકી મળી હતી કે, એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે ત્યાર બાદ અફરાતફરી મચી ગઈ હતી. સૂચના મળતાં જ પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ એરપોર્ટ પર હાઇ એલર્ટ ઓપરેશન શરૂ કરી દીધું હતું.
ત્યારબાદ બોમ્બ સ્ક્વોડ તહેનાત કરવામાં આવ્યા હતા અને એરપોર્ટ પરિસરમાં તેમજ તેની આસપાસના વિસ્તારમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. આ પહેલાં કોચ્ચીથી ઓમાનની રાજધાની મસ્કત પહોંચ્યા બાદ દિલ્હી જઈ રહેલા ઇન્ડિગોના વિમાનમાં બોમ્બ હોવાની ધમકી બાદ મંગળવારે નાગપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ વિમાન મસ્કતથી કોચ્ચી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પહોંચ્યું હતું. જ્યાંથી સવારે 9.31 કલાકે દિલ્હી માટે ઉડાન ભરી હતી. અધિકારીઓએ જણાવ્યું કે, સુરક્ષા તપાસ પૂર્ણ થયા બાદ 157 યાત્રી અને ક્રુ મેમ્બર સહિત વિમાન દિલ્હી માટે રવાના કરવામાં આવ્યું હતું.
