ડોલવણના ગારવણ ગામનાં મજુરી કામ કરતા યુવકે ફેસબુક ઉપર મોપેડ વેચાણ અંગેની જાહેરાત જોઈ જેને ખરીદવા માટે સંપર્ક કરી બુકીંગ કરાવી રૂપિયા ૨૦ હજાર ચુકવી દીધા પરંતુ મોપેડ વેચાણ કરનાર અજાણ્યાએ મોપેડ નહીં મોકલી વિશ્વાસઘાત-છેતરપિંડી કરી હતી. મળતી માહિતી મુજબ, ડોલવણ તાલુકાનાં ગારવાણ ગામનાં નિશાળ ફળીયાનાં રહીશ સલીમભાઈ આશઇકભાઈ ભીલ (ઉ.વ.૨૭) મજુરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. જેઓએ તારીખ ૨૮/૦૫/૨૦૨૫ નારોજ પોતાના ઘરે ફેસબુકમાં માર્કેટ પેલેસ નામના ગૃપમાં મુકેલ હોન્ડા ડીજેઓ ૨૦૧૯ની ટુવ્હીલર વેચવાની જાહેરાત જોતાં મોપેડ લેવાની ઈચ્છા થઈ હતી. તેમણે ગૃપમાં મુકેલ મોબાઇલ નંબર ઉપર સંપર્ક કરી અજાણ્યા ઇસમ સાથે મોપેડ ખરીદવા અંગે વાતચીત કરી હતી.
અજાણ્યાએ એડવાન્સમાં રૂપિયા ૨૦૦૦ ગાડી બુક કરવા આપવા જણાવતા જે નાણાં ટ્રાન્સફર કરી ગાડી બુક કરાવીહતી. ત્યારબાદ મોપેડનો પેકીંગ કરેલો ફોટો યુવાનને મોકલી આપી બાકીના રૂપિયા ૧૮,૦૦૦ ઓનલાઈન મોકલી આપવા જણાવ્યું હતું. યુવક પાસે બેંક ખાતું ન હોવાથી જેણે બુહારી ખાતે કેશમાં પૈસા લઈ જઈ ઓળખીતાની દુકાન જઈને અજાણ્યાને રૂપિયા ૧૮,૦૦૦ ટ્રાન્સફર કરાવ્યા હતા. ત્યારબાદ મોપેડ મોકલી આપવા અજાણ્યાને કોલ કરીને યુવકે કહેતા તેઓએ જણાવ્યું કે તમારી ટુવ્હીલર લઇને અમે બારડોલી હાઇવે પાસ કર્યો છે, થોડીવારમાં તમને તમારી ટુ વ્હીલર મળી જશે. જેથી યુવાન બુહારી ખાતે ટુવ્હીલરની રાહ જોતો રહ્યો હતો. પરંતુ અજાણ્યા આવ્યા નહીં તેમજ જેઓના મોબાઈલ પણ બંધ થઇ ગયા હતા. આખરે ફોડ થયાનો અહેસાસ થતા સલીમભાઈએ જે અંગે સાઇબર ક્રાંઈમ હેલ્પલાઇન ઉપર ફરિયાદ નોંધાવી હતી અને તારીખ ૧૭/૦૬/૨૦૨૫ નારોજ ડોલવણ પોલીસ મથકે ફરિયાદ કરી હતી.
