નવી દિલ્હીમાં જસ્ટિસ યશવંત વર્માના નિવાસસ્થાને આગ લાગ્યા બાદ સ્ટોર રૂમમાંથી મળી આવેલી લાખો રૂપિયાની બળી ગયેલ ચલણી નોટોનાં કેસની તપાસમાં સુપ્રીમ કોર્ટે દાવો કર્યો છે કે આ મામલાના 10 સાક્ષીઓ છે. જેમણે મોટી માત્રામાં રોકડ જોઈ હતી. તે બધા દિલ્હી ફાયર સર્વિસ તેમજ દિલ્હી પોલીસના અધિકારીઓ છે. સમિતિએ જસ્ટિસ વર્માના વર્તનને અકુદરતી અને શંકાસ્પદ ગણાવ્યું છે અને તેમની સામે કાર્યવાહી કરવાની ભલામણ કરી છે. માર્ચ 2025 જયારે જસ્ટિસ યશવંત વર્માના સત્તાવાર નિવાસ સ્થાને અચાનક આગ લાગી ત્યારે આ રોકડ કૌભાંડનો મામલો સામે આવ્યો હતો. આગ ઓલવવા પહોંચેલા દિલ્હી ફાયર સર્વિસ અને પોલીસ અધિકારીઓએ ત્યાં મોટી માત્રામાં રોકડ જોઈ, જેમાંથી અડધી બળી ગઈ હતી.
કેટલાક સાક્ષીઓએ જણાવ્યું હતું કે રોકડનો ઢગલો લગભગ 1.5 ફૂટ ઊંચો હતો અને 500 રૂપિયાની નોટો ચારે બાજુ વિખરાયેલી હતી. આ ઉપરાંત તપાસ સમિતિએ જણાવ્યું કે ફક્ત જસ્ટિસ વર્મા અને તેમના પરિવારના સભ્યો જ તે રૂમમાં પ્રવેશ કરી શકતા હતા. તેઓ બાદમાં રૂમ સાફ કરવામાં આવ્યા અને ત્યાંથી બધી નોટો ગાયબ થઈ ગઈ હતી.
તપાસ સમિતિએ જસ્ટિસ વર્મા કેસમાં કહ્યું કે, જસ્ટિસ વર્માએ ક્યારેય પોલીસ કે ઉચ્ચ ન્યાયિક અધિકારીઓને રોકડ રકમની રિકવરી અંગે જાણ કરી ન હતી. તેમજ સમિતિએ જજના રોકડ રકમની જાણ ન હોવાના દાવાઓને અવિશ્વસનીય ગણાવ્યા, એવું પણ કહેવામાં આવ્યું હતું કે, જો આ કાવતરું હતું તો તેમણે અત્યાર સુધી ફરિયાદ કેમ ન કરી? આ ઉપરાંત તપાસ સમિતિએ એવું પણ કહ્યું કે, જસ્ટિસ વર્માના અંગત સચિવ રાજિન્દર સિંહ કાર્કી અને તેમની પુત્રી દિયા વર્માએ પુરાવાનો નાશ કરવામાં ભૂમિકા ભજવી હોવી જોઈએ. તેમજ સ્ટોરરૂમમાં માત્ર પરિવારજનોને પ્રવેશ મંજૂરી હતી અને બાદમાં ત્યાંથી રોકડ ગાયબ થઈ જવી તેમજ ઘણા સ્વતંત્ર સાક્ષીઓની હાજરી અને ઘટના સ્થળના ફોટોગ્રાફ્સ અને વીડિયો કોઈપણ કાવતરાના દાવાને નકારી કાઢે છે.
