ટાટા ગ્રૂપની માલિકીની એર ઈન્ડિયાએ તારીખ 21 જૂનથી 15 જુલાઈ-2025 વચ્ચે ત્રણ આંતરરાષ્ટ્રીય રૂટ પરની ફ્લાઈટો રદ કરવાનો અને અન્ય 16 રૂટ પર ફ્લાઈટ્સ ઘટાડવાનો નિર્ણય લીધો છે. અમદાવાદમાં 12 જૂને વિમાન દુર્ઘટના બાદ ફ્લાઈટના સંચાલનમાં ઉભી થયેલી અડચણોના કારણે આ નિર્ણય લેવાયો છે. એર ઈન્ડિયાએ સત્તાવાર નિવેદનમાં કહ્યું છે કે, અમે ફ્લાઈટના સમયપત્રકને યોગ્ય કરવા તેમજ અંતિમ સમયે પ્રવાસીઓને થતી સમસ્યા અટકાવવા માટે આ નિર્ણય લીધો છે.
એર ઈન્ડિયાએ જે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટો રદ કરી છે, તેમાં દિલ્હી-નૈરોબી, અમૃતસર-લંડન (ગૈટવિક) અને ગોવા (મોપા)-લંડન (ગૈટવિક) સામેલ છે. જ્યારે ઉત્તર અમેરિકા, યુરોપ, ઓસ્ટ્રેલિયા અને અન્ય રૂટો પરની 16 આંતરરાષ્ટ્રીય ફ્લાઈટોની સંખ્યા ઘટાડી દીધી છે. એર ઈન્ડિયાએ કહ્યું કે, ફ્લાઈટના ટેકઓફ પહેલા તમામ સુરક્ષા માનકોની કડક તપાસ કરવા માટે વધુ સમયની જરૂર હોવાના કારણે તેમજ મધ્ય-પૂર્વમાં એરસ્પેસ બંધ થતા ફ્લાઈટના સમયમાં વધારો થયો હોવાના કારણે ફ્લાઈટો રદ કરવાનો અને ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એર ઈન્ડિયાએ સમસ્યાનો સામનો કરી રહેલા પ્રવાસીઓની ફરી માફી માગીને કહ્યું છે કે, ‘પ્રવાસીઓને વૈકલ્પિક ફ્લાઈટો, ફ્રી રી-શેડ્યૂલિંગ અને સંપૂર્ણ રિફંડ જેવા વિકલ્પો મળશે. પ્રવાસીઓને કોઈ સમસ્યા ન થાય અને તેઓ ફરી પ્લાન બનાવી શકે તે માટે અમારી એરલાઈન્સની ટીમ સીધો જ પ્રવાસીઓનો સંપર્ક કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, એક દિવસ પહેલા એર ઈન્ડિયાએ વાઈડ-બોડી વિમાની ફ્લાઈટોમાં 15 ટકા કપાત કરવાની જાહેરાત કરી હતી.
