તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારાનાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ વિભાગના રાજ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને “યોગા ફોર વન અર્થ, વન હેલ્થ”ની થીમ અને મેદસ્વિતા મુક્ત ગુજરાતનાં ધ્યેય સાથે જિલ્લા કક્ષાએ ૧૧માં “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ”ની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રીએ તાપી જિલ્લાને ૧૧માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે, આપણી તંદુરસ્તી અને સુખાકારી જીવન માટે યોગ કરવો જોઈએ. યોગથી આત્મા અને શરીરનું જોડાણ થાય છે.
મન શાંત થાય છે. માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિપૂર્ણ નેતૃત્વ અને વડાપ્રધાનશ્રીએ વિશ્વભરમાં જે રીતે યોગને માન્યતા અપાવી છે, એનું પરિણામ છે કે આજે સમગ્ર વિશ્વમાં કરોડો લોકો યોગ સાથે પોતાના જીવનને આરોગ્યમય બનાવી રહ્યા છે. ત્યારે યોગ દિવસ એ માત્ર એક તારીખ તરીકે નહીં પરંતુ આધ્યાત્મિક રીતે શાંતિમય અને શ્રેષ્ઠ સ્વાસ્થ્ય માટે આપણે નિયમિત યોગ કરવો જોઈએ. વધુમાં ઉમેરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે,તાપી જિલ્લો પ્રાકૃતિક સંપદાથી ભરપૂર છે.
કુદરતે આપણા સ્વાસ્થ્ય માટે સુંદર વાતાવરણ પૂરું પાડ્યું છે ત્યારે તાપીવાસીઓને તંદુરસ્ત અને સ્વસ્થ રહેવા માટેની શુભકામનાઓ પાઠવી હતી. નોંધનિય છે કે તાપી જિલ્લાના તમામ તાલુકા મથક,ગ્રામ પંચાયતો,શાળા-કોલેજો અને બે ઈકો ટુરિઝમ સાઈટ આંબાપાણી અને પદમડુંગરી ખાતે યોગના વિશેષ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં મોટી સંખ્યામાં લોકો યોગમય બન્યા હતા. આ સાથે યોગપ્રેમીઓએ સરકારશ્રીના યોગ સબંધિત જીવંત પ્રસારણ કાર્યક્રમને નિહાળ્યો હતો. રાજ્યના રમતગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ અને રાજ્યના યોગબોર્ડ તથા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રિય યોગ દિવસની સમગ્ર ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.
