Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

‘આંતરાષ્ટ્રીય યોગ દિવસ’ નિમિત્તે વિશાખાપટ્ટનમમાં ભવ્ય રાષ્ટ્રીય યોગ સમારંભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ત્રણ લાખ લોકોએ યોગ કર્યા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં શનિવારે ભવ્ય રાષ્ટ્રીય યોગ સમારંભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ત્રણ લાખ લોકોએ યોગ કર્યા હતા. આંધ્ર પ્રદેશમાં યોગ દિવસે બે ગીનીસ અને ૨૧ વર્લ્ડ રેકોર્ડ બન્યા હતા. આ સાથે દુનિયાના સૌથી ઊંચા યુદ્ધ ક્ષેત્ર સીયાચીનમાં સેંકડો જવાનોથી સમુદ્ર સુધી ભારત સહિત સમગ્ર વિશ્વ ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિન નિમિત્તે યોગમય બન્યું હતું. વિશ્વ યોગ દિનની ઊજવણી માટે ન્યૂયોર્કમાં વિશ્વવિખ્યાત ટાઈમ સ્ક્વેર ખાતે ૧૦,૦૦૦ લોકોએ યોગ કર્યા હતા. તેમજ રશિયામાં મોસ્કો મેટ્રોથી લઈને રિયાધમાં પ્રિન્સ ફૈસલ બિન ફહાદ સ્ટેડિયમ સુધી કરોડો લોકો યોગ દિનની ઊજવણીમાં જોડાયા હતા.

આંધ્રપ્રદેશમાં મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ ૨૧ જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઊજવણી માટે વિશાખાપટ્ટનમમાં આયોજિત મુખ્ય કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણ સહિત અંદાજે ૩ લાખ લોકો જોડાયા હતા. ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિનની થીમ ‘યોગ ફોર વન અર્થ, વન હેલ્થ’ હતી. વડાપ્રધાન મોદીએ યોગના વધતા વૈશ્વિક પ્રભાવ પર પ્રકાશ પાડતા કહ્યું કે, આજે વૈજ્ઞાાનિકો અવકાશમાં યોગ કરે છે, દિવ્યાંગો યોગશાસ્ત્રનો અભ્યાસ કરે છે અને ગામે ગામમાં યુવાનો યોગ ઓલિમ્પિયાડમાં ભાગ લઈ રહ્યા છે. દુર્ભાગ્યથી આજે આખી દુનિયા કોઈને કોઈ તણાવમાંથી પસાર થઈ રહી છે. અનેક ક્ષેત્રોમાં અશાંતિ અને અસ્થિરતા વધી રહી છે. એવામાં યોગથી આપણને શાંતિની દિશા મળે છે.

યોગ એક એવું પોઝ બટન છે, જેની માનવતાએ સંતુલનનો શ્વાસ લેવા અને ફરીથી નિયંત્રણ મેળવવાની જરૂર છે. આજે ૧૧ વર્ષ પછી યોગ કરોડો લોકોની જીવનશૈલીનો ભાગ બની ગયું છે. ચંદ્રાબાબુ નાયડુએ જણાવ્યું કે, યોગ દિન નિમિત્તે આંધ્ર પ્રદેશે બે ગિનિસ રેકોર્ડ્સ અને ૨૧ વર્લ્ડ બૂક રેકોર્ડ્સ સહિત કુલ ૨૩ ગ્લોબલ રેકોર્ડ્સ કર્યા છે. વિશાખાપટ્ટનમમાં યોગની ઊજવણીના મુખ્ય કાર્યક્રમમાં ૩.૦૩ લાખ લોકો એકત્ર થયા છે, જે એક જ સ્થળ પર યોગ કરવા માટે સૌથી વધુ લોકોના એકત્ર થવાનો વિશ્વવિક્રમ છે. અહીં એક જ સ્થળ પર ૨૨,૧૨૨ આદિવાસી વિદ્યાર્થીઓએ ૧૦૮ મિનિટમાં ૧૦૮ સૂર્ય નમસ્કાર કરીને બીજો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે. આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઊજવણીમાં ભારત જ નહીં આખું વિશ્વ જોડાયું હતું. ન્યૂયોર્કના વિશ્વવિખ્યાત ટાઈમ સ્ક્વેર ખાતે ૧૦,૦૦૦થી વધુ લોકો યોગ કરવા માટે જોડાયા હતા.

જ્યારે સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં યોગ ગુરુ દીપક ચોપરાના નેતૃત્વમાં ૧,૨૦૦થી વધુ યોગ સાધકો, રાજદ્વારીઓ, સંયુક્ત રાષ્ટ્રના અધિકારીઓએ યોગાસન કર્યા હતા. આ સિવાય અમેરિકામાં પણ અનેક સ્થળે યોગની ઊજવણીના કાર્યક્રમો યોજાયા હતા. બ્રિટનમાં લંડનમાં ભારતીય દૂતાવાસ દ્વારા શુક્રવારે સાંજે યોજાયેલા કાર્યક્રમમાં સેંકડો લોકો જોડાયા હતા. ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામીએ બ્રિટનના ૭૬મા રાજા ચાર્લ્સ-૩નો વિશેષ સંદેશો વાંચી સંભળાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, યોગની વાર્ષિક ઊજવણીએ એકતા, કરુણા અને સુખાકારીના વૈશ્વિક સિદ્ધાંતોને પ્રોત્સાહન આપ્યું છે. બ્રિટનમાં વર્ષોવર્ષ યોગની લોકપ્રિયતા વધી રહી છે. ચીન, ઓસ્ટ્રેલિયા, રશિયા, સિંગાપોર, નેપાળ, જાપાન, સાઉદી અરબ, આફ્રિકાના દેશો સહિત દુનિયાભરમાં યોગના વિવિધ કાર્યક્રમોમાં કરોડો લોકો જોડાયા હતા અને યોગાસન કર્યા હતા.

 

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!