જામનગરના જોડિયામાં સાંબેલાધારે સાત ઈંચ વરસાદથી જળબંબાકાર સર્જાયો હતો. જ્યારે કાલાવડ, કેશોદ અને ઘેડ પંથકમાં પાંચ ઈંચ તો પડધરી, મેંદરડા, માણાવદર, કુતિયાણામાં ધોધમાર ચાર ઈંચ મેઘકૃપા વરસી હતી. જામનગર શહેરમાં રવિવારે બપોરે ત્રણ વાગ્યાથી ધીમીધારે છાંટા શરૂ થયા હતા. ત્યારબાદ ધીમી ધારે રાત્રે આઠ વાગ્યા સુધીમાં બે ઇંચ વરસાદ વરસી ગયો હતો. જ્યારે કાલાવડ પંથકમાં રાત્રે આઠ વાગ્યા સુધીમાં ધોધમાર પાંચ ઈંચ વરસાદ પડી ગયો હતો. નદી નાળાઓમાં પૂર આવ્યા હતા. જોડીયામાં સૌથી વધારે બપોરે ચાર વાગ્યાથી રાત્રે આઠ વાગ્યા સુધીમાં મુશળધાર સાત ઇંચ વરસાદ તૂટી પડયો હતો. આ ઉપરાંત જામજોધપુરમાં 2.5 ઈંચ, લાલપુરમાં બે ઈંચ, ધ્રોલમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો.
પોરબંદર જિલ્લામાં અંતે ચોમાસુ સક્રિય થયું હોય તેમ રવિવારે દિવસભર વરસાદ વરસ્યો હતો. પોરબંદર શહેર અને તેની આસપાસના વિસ્તારમાં પણ મોડી સાંજ સુધીમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો.
સૌરાષ્ટ્રમાં અન્યત્ર જોઈએ તો, રાજકોટ જિલ્લામાં સૌથી વધુ પડધરીમાં ધોધમાર 4 ઈંચ અને જેતપુરમાં 3 ઈંચ વરસાદથી જળબંબાકાર થઈ ગયો હતો. આ સાથે ધોરાજીમાં 2.5 ઈંચ, ઉપલેટામાં 2 ઈંચ તથા રાજકોટ, ગોંડલ અને જામકંડોરણમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો. મોરબી જિલ્લામાં છૂટા-છવાયા ઝાપટાં વચ્ચે વાંકાનેરમાં એક ઈંચ વરસાદ પડ્યો હતો. એ જ રીતે દેવભૂમી દ્વારકા જિલ્લામાં ભાણવડમાં એક ઈંચ અને ખંભાળિયામાં અડધો ઈંચ તેમજ ગીર સોમનાથ જિલ્લામાં આજે તાલાલા, વેરાવળ અને ગીરગઢડામાં અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો. અમરેલી જિલ્લામાં આજે વડિયામાં 1.5 ઈંચ તો અમરેલી, બગસરા અને બાબરામાં 1 ઈંચ, જ્યારે ધારી, લીલીયા, લાઠી અને સાવરકુંડલામાં અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો.
