Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

ગોવા અને મિઝોરમ બાદ ત્રિપુરા ત્રીજુ સંપૂર્ણ સાક્ષરતા ધરાવતું રાજ્ય બન્યું, સાક્ષરતા દર 95.6 ટકા નોંધાયો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ગોવા અને મિઝોરમ બાદ ત્રિપુરા ત્રીજુ સંપૂર્ણ સાક્ષરતા ધરાવતું રાજ્ય બન્યું છે. તેનો સાક્ષરતા દર 95.6 ટકા નોંધાયો છે.  છેલ્લા એક દાયકાથી રાજ્યનો સાક્ષરતા દર 90 ટકાથી વધુ રહ્યો હતો. કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ આ અંગે માહિતી આપી હતી. કેન્દ્રીય શિક્ષણ મંત્રી પ્રીતિ મીણાએ એક કાર્યક્રમમાં આ અંગે જણાવ્યું હતું કે, મિઝોરમ અને ગોવા બાદ ત્રિપુરા ત્રીજુ સંપૂર્ણ સાક્ષર રાજ્ય બન્યું છે. યુનેસ્કોની 95 ટકા સાક્ષરતા દરની વ્યાખ્યાને અનુરૂપ ત્રિપુરાને સંપૂર્ણ સાક્ષર રાજ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું છે. પિરિયોડિક લેબર સર્વે 2023-24નાં રિપોર્ટ અનુસાર, ત્રિપુરાનો સાક્ષરતા દર 93.7 ટકા નોંધાયો હતો.

જોકે ‘ઉલ્લાસ’ અભિયાનની વર્તમાન સફળતાના પગલે આ આંકડો વધી 95.6 ટકા થયો છે. કેન્દ્ર સરકાર દ્વારા નિર્ધારિત માપદંડો અનુસાર, 95 ટકાથી વધુ સાક્ષરતા હાંસલ કરનારા રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોને પૂર્ણ સાક્ષરતાનો દરજ્જો મળે છે. મીણાએ આગળ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર વિવિધ યોજનાઓ મારફત સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સના માધ્યમથી ભારતને 2030 સુધીમાં સંપૂર્ણ સાક્ષર રાષ્ટ્ર બનાવવાનો ઉદ્દેશ ધરાવે છે. નવશિખાઉ લોકોને શિક્ષણ ચાલુ રાખવા અપીલ છે.

જેથી 2027ની વસ્તી ગણતરીમાં, ત્રિપુરાને સંપૂર્ણ સાક્ષર રાજ્ય તરીકે નોંધવામાં આવે. ભારત સરકારે અગાઉ 2022-2027 માટે કેન્દ્રિય પ્રાયોજિત યોજના ‘ULLAS’ શરૂ કરી હતી જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 સાથે સુસંગત ‘તમામ માટે શિક્ષણ’ના તમામ પાસાઓને આવરી લે છે. ત્રિપુરાના મુખ્યમંત્રી ડો.માણિક સાહાએ આ અંગે જણાવ્યું હતું કે, 1961 માં રાજ્યનો સાક્ષરતા દર માત્ર 20.24 ટકા હતો. અસંખ્ય પડકારોને પાર કરીને, રાજ્યનો સાક્ષરતા દર સતત વધી સ2011ની વસ્તી ગણતરીમાં 87.22 ટકા સુધી પહોંચ્યો  હતો. જે 2001માં 73.66 ટકા હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત 2047’ માટેના વિઝનમાં સાક્ષરતા એક મહત્વપૂર્ણ ઘટક છે. વધુમાં મુખ્યમંત્રીએ દાવો કર્યો કે માથાદીઠ આવક અને GDPમાં, ત્રિપુરા ઉત્તરપૂર્વીય રાજ્યોમાં બીજા ક્રમે છે.

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!