દિલ્હી સ્થિત નેવી ભવનથી એક પાકિસ્તાની જાસૂસની ધરપકડ કરવામાં આવી છે. આરોપી નેવી ભવનમાં અપર ડિવિઝન ક્લાર્કના પદ પર કામ કરી રહ્યો હતો, તેના પર પાકિસ્તાનની ગુપ્ત એજન્સી માટે જાસૂસી કરવાનો આરોપ છે. રાજસ્થાન પોલીસની ગુપ્ત વિંગે તેની ધરપકડ કરી છે. આ ધરપકડે દેશની સુરક્ષા એજન્સીઓમાં હડકંપ મચાવી દીધો છે. રાજસ્થાન ઇન્ટેલિજન્સે આ મોટી કાર્યવાહી કરીને વિશાલ યાદવની બુધવારે શાસકીય ગુપ્તચર અધિનિયમ 1923 હેઠળ ધરપકડ કરી હતી.
પોલીસ મહાનિરીક્ષક CID સુરક્ષા વિષ્ણુકાંત ગુપ્તાએ જણાવ્યું કે, ‘પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓ દ્વારા કરવામાં આવતી જાસૂસી પ્રવૃત્તિઓ પર સીઆઈડી ઇન્ટેલિજન્સ રાજસ્થાન સતત નજર રાખી રહ્યું હતું અને આ દેખરેખ દરમિયાન, એવું બહાર આવ્યું હતું કે નેવી ભવન દિલ્હીમાં ડોકયાર્ડ ડિરેક્ટોરેટમાં કાર્યરત વિશાલ યાદવ સોશિયલ મીડિયા દ્વારા પાકિસ્તાની ગુપ્તચર એજન્સીની મહિલા હેન્ડલર સાથે સતત સંપર્કમાં હતો.
પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું કે, કે વિશાલ યાદવ ઓનલાઈન ગેમ્સ રમવાનો વ્યસની હતો અને પોતાની નાણાંકીય જરૂરિયાતો પૂરી કરવા માટે તેણે દેશની સુરક્ષા સાથે ચેડાં કરવાનું શરૂ કર્યું હતું. તે પાકિસ્તાની મહિલા હેન્ડલરને સંવેદનશીલ માહિતી આપીને તેના ક્રિપ્ટોકરન્સી ટ્રેડિંગ એકાઉન્ટમાં USDT અને સીધા તેના બેંક ખાતામાં ભંડોળ મેળવતો હતો. શંકાસ્પદના મોબાઈલ ફોનની ફોરેન્સિક તપાસ બાદ જે ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે તે વધુ ગંભીર છે. તેના મોબાઇલ ફોનમાંથી મળેલી ચેટ્સ અને દસ્તાવેજોના અવલોકનમાં જાણવા મળ્યું કે વિશાલ યાદવે ઓપરેશન સિંદૂર દરમિયાન પણ મહિલા પાકિસ્તાની હેન્ડલરને નેવી અને અન્ય સંરક્ષણ સંબંધિત ગુપ્ત માહિતી પૂરી પાડી હતી. આ દર્શાવે છે કે તે લાંબા સમયથી આ જાસૂસી રેકેટનો ભાગ હતો.
