ગુજરાત રાજ્યના અમુક જિલ્લાઓ સહિત નવસારી જિલ્લા અને ઉપરવાસમાં થયેલ ભારે વરસાદના કારણે નવસારી જિલ્લામાં કાવેરી નદીના જળસ્તર વધવાની સંભાવના રહેલી છે. હાલ તા.૨૬-૦૬-૦૨૫ના રોજ બપોરે ૦૨ વાગ્યા સુધીના આંક અનુસાર કાવેરી નદી ૧૭ ફુટની સપાટીએ વહી રહી છે. કાવેરી નદીની ભયજનક સપાટી ૧૯ ફુટ છે. જેને પગલે જિલ્લા તંત્ર દ્વારા નાગરીકોની સલામતીને ધ્યાને લઇ નદીની આસપાસ અને નીચાણવાળા વિસ્તારોના નાગરિકોને સલામ સ્થળે ખસાડી દેવાની ફરજ પડી છે. જે અન્વયે બીલીમોરા નગરપાલિકા દ્વારા નદીની આસપાસ અને નીચાણવાળા વિસ્તારોમાં લાઉડ સ્પીકરના માધ્યમથી એનાઉન્સમેન્ટ કરી નાગરિકોને સલામત સ્થળે ખસી જઇ સ્થાનિક તંત્રને સહકાર આપવા સાવચેત કરી રહ્યા છે.
જેમાં અંદાજિત ૩૦ જેટલા નાગરિકોને સ્થળાંતર કરી આશ્રયસ્થાનમાં ખસેડવામાં આવ્યા છે. આ ઉપરાંત બીલીમોરા નગરપાલીકા વિસ્તારમાં દેસરા જૂનો કુંભારવાડ, ટાંકી ફળિયું, ચાંદની ચોક, જમના નગર પાછળનો વિસ્તાર, મેમણ કોલોની મસ્જિદની બાજુના વિસ્તાર દેસરા ગિરિરાજનગર, નાનોકોળીવાડ, રાવલ સ્ટ્રીટ,ગોકુલધામ, નવીનગરી, દેસરા અવધૂતવાડી, દેસરા ભાથા ફળિયા, સાંઈનાથ નગર, શિવ શક્તિ સોસાયટી ,મોટો કોળીવાડ, માધવબાગ સોસાયટી, શિવચરણ સાયટી, જલાશીવ સોસાયટી, જગદીશનગર અને દીપલક્ષ્મી સોસાયટી, શિવદીપ વિલા, જ્યોતિનગર સોસાયટી, શિવ સાઈ સોસાયટી, સોમનાથ મંદિર, નગરપાલિકા તથા પાર્ટીપ્લોટની આજુબાજુના વિસ્તારોમાં એનાઉન્સમેન્ટ કરી નાગરિકોને સલામત સ્થળે ખસી જવા જાણ કરવામાં આવી છે.
