કાંટા લગા…ગીતને કારણે પ્રસિદ્ધ થઈ ચૂકેલ જાણીતી અભિનેત્રી અને મોડેલ શેફાલી જરીવાલાનું હાર્ટએટેકને કારણે નિધન થઇ ગયું છે. આ અહેવાલ બાદથી બોલિવૂડમાં શોકનો માહોલ છવાયો છે. તેમના પતિ પરાગ ત્યાગીએ શેફાલીને છાતીમાં દુઃખાવાની ફરિયાદને પગલે હોસ્પિટલ પહોંચાડી હતી. પરંતુ ત્યાં ડોક્ટરોએ સારવાર દરમિયાન તેને મૃત જાહેર કરી દીધી હતી. જરીવાલાને લગભગ 12:30 વાગ્યે અંધેરીમાં કપૂર હોસ્પિટલમાં લવાઈ હતી. તે હોસ્પિટલ આવતા સુધીમાં મૃત્યુ પામી ચૂકી હતી.
ત્યારબાદ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. હોસ્પિટલના આસિસ્ટન્ટ મેડિકલ ઓફીસરે આ મામલે માહિતી આપી હતી કે અહીં તેમનો મૃતદેહ લાવતા પહેલા આ લોકો કોઈ અન્ય હોસ્પિટલમાં ગયા હતા. એટલા માટે મૃત્યુનું કારણ પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યા પછી જ જાણી શકાશે. આ દરમિયાન મુંબઈ પોલીસ મોડી રાત્રે શેફાલીના અંધેરી સ્થિત ઘરે તપાસ માટે પહોંચી હતી. ફોરેન્સિક ટીમ પણ ઘટના સ્થળે હાજર હતી અને ઘરની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી. જોકે, શેફાલીના મૃત્યુ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી, પરંતુ પોલીસ અને ફોરેન્સિક ટીમ જે રીતે તપાસ કરી રહી છે તે જોતાં આ કેસ શંકાસ્પદ લાગી રહ્યો છે. શેફાલી જરીવાલાએ પોતાના શાનદાર અભિનય અને સુંદરતાથી દર્શકોના દિલ જીતી લીધા. 2002માં રિલીઝ થયેલા આઇકોનિક મ્યુઝિક વિડીયો ‘કાંટા લગા’માં તેના નૃત્યે તેને રાતોરાત પ્રખ્યાત બનાવી દીધી. શેફાલીનો ગ્લેમરસ લુક, ઘણી જગ્યાએ ટેટૂ, કમરમાં બેલી બટન, પિયર્સિંગ અને આધુનિક પોશાક પહેરવાથી તે ‘કાંટા લગા ગર્લ’ તરીકે પ્રખ્યાત થઈ. આ મ્યુઝિક વિડીયો પ્રખ્યાત થયા પછી દેશમાં રિમિક્સ સંગીતનો એક નવો યુગ શરૂ થયો હતો.
