હાલ દેશમાં હજુ ચોમાસાની શરૂઆત થઈ છે, ત્યારે મેઘરાજાએ હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર, ઝારખંડ સહિત અનેક રાજ્યોમાં રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. હિમાચલના મંડીમાં આભ ફાટતાં તબાહીના દૃશ્યો સામે આવ્યા છે. અહીં મકાન-રસ્તા-વાહનો વહી ગયા છે, તો અનેક લોકો ગુમ થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. આ ઉપરાંત ઉતરાખંડ તેમજ બિહારમાં ભારે વરસાદના કારણે જાનમાલને નુકસાન થયું છે. છેલ્લા 24 કલાકમાં બિહારમાં 5 લોકોના મોત થયા છે. રવિવારે બિહારના ગયામાં લગુરાહી વોટરફોલમાં પાણીના સ્તરમાં અચાનક વધારો થવાને કારણે 6 છોકરીઓ ભારે પ્રવાહમાં તણાઈ ગયા બાદ સ્થાનિક લોકોએ બધી છોકરીઓને બચાવી લીધી હતી. આ તમામ ઘટનાક્રમ વચ્ચે ભારતીય હવામાન વિભાગે ફરી અનેક રાજ્યોમાં વરસાદી આફતનું એલર્ટ જાહેર કર્યું છે. વિભાગની આગાહીને જોતા એવું લાગી રહ્યું છે કે, આ માત્ર મેઘરાજાનું ટ્રેલર હતું, આગામી સમયમાં આ રાજ્યોમાં મેઘરાજા ફરી તાંડવ કરી શકે છે.
અનેક રાજ્યમાં મેઘરાજાના તાંડવ વચ્ચે હવામાન વિભાગે 24 રાજ્યોમાં ભારેથી લઈને અતિભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે ગુજરાત, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, બિહાર, છત્તીસગઢ, રાજસ્થાન, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઓડિશા, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ગોવા, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા માટે ભારે પવન, ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે કહ્યું કે, ‘સપ્તાહ દરમિયાન જમ્મુ-કાશ્મીરથી લઈને કેરળ અને રાજસ્થાનથી લઈને પૂર્વોત્તર ભારતના અનેક રાજ્યોમાં વરસાદની જોર ચાલુ રહેશે.
ઉત્તર-પશ્ચિમ, મધ્ય અને પૂર્વીય ભારતના અનેક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આગામી છ દિવસ સુધી ચોમાસાની સ્થિતિ યથાવત રહેવાની સંભાવના છે. દેશમાં ઉભી થયેલી હવામાન પેટર્નના કારણે અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. સ્કાઈમેટ વેધરના રિપોર્ટ મુજબ, બંગાળની ખાડીના ઉત્તર-પશ્ચિમ અને પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં એક નીચા દબાણનો વિસ્તાર જોવા મળી રહ્યો છે. એક ચક્રવાતી પરિભ્રમણ સમુદ્ર સપાટીથી 7.6 કિમીની ઊંચાઈ સુધી ફેલાયેલું છે. એક ટ્રફ ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડીથી પૂર્વ-દક્ષિણપૂર્વથી ઉત્તર-પૂર્વ બંગાળની ખાડી સુધી ફેલાયેલું છે. આ હવામાન સિસ્ટમના કારણે આગામી દિવસોમાં ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે.
IMDએ તારીખ 02 જુલાઈથી 06 જુલાઈ ઝારખંડ, ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમ, મધ્યપ્રદેશ, છત્તીસગઢમાં ભારે વરસાદ થવાની સંભાવના, તારીખ 02 જુલાઈથી 04 જુલાઈ બિહાર, ઓડિશા, વિદર્ભ, ગંગા પશ્ચિમ બંગાળમાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદની આગાહી, તારીખ 04 અને 05 જુલાઈ મધ્યપ્રદેશ, છત્તીસગઢ, બિહાર, ગંગા પશ્ચિમ બંગાળ, ઝારખંડમાં ખૂબ જ ભારે વરસાદની શક્યતા, તારીખ 04 જુલાઈથી 07 જુલાઈ બિહાર, ઓડિશા, વિદર્ભ, ગંગા પશ્ચિમ બંગાળ અને અન્ય ઘણા વિસ્તારોમાં વરસાદ પડવાની સાથે 30થી 41 કિમી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું, વીજળી અને જોરદાર પવન ફૂંકાઈ શકે છે, તારીખ 02 જુલાઈથી 06 જુલાઈ હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, પંજાબ, પૂર્વ રાજસ્થાનમાં ભારે વરસાદની સંભાવના, તારીખ 02, 05, 06 જુલાઈ હરિયાણા અને ચંદીગઢમાં વરસાદની, તારીખ 03 જુલાઈથી 06 જુલાઈ પશ્ચિમ રાજસ્થાનમાં ભારે વરસાદનું એલર્ટ, તારીખ 02 જુલાઈ ઉત્તરાખંડ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણામાં વરસાદની સંભાવના, 02 જુલાઈથી 07 જુલાઈ ગુજરાત, મધ્ય મહારાષ્ટ્રના ઘાટ વિસ્તારો, કોંકણ અને ગોવામાં અલગ અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી, તારીખ 02 જુલાઈથી 07 જુલાઈ : ઉત્તરપૂર્વ ભારતમાં મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ, વાવાઝોડા, વીજળી અને કેટલાક સ્થળોએ ભારે વરસાદની સંભાવના, તારીખ 02 જુલાઈથી 03 જુલાઈ અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદનું એલર્ટ, તારીખ 06 જુલાઈ આસામ અને મેઘાલયમાં અતિ ભારે વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે.
