અમરેલીમાં દુકાને બેસવાની નજીવી બાબતે બે દિવસ પહેલા ઉગ્ર બોલાચાલી થયા બાદ બે જૂથ વચ્ચે મારામારી થવાની ઘટનામાં બે યુવકને ઈજા થતા તેને અમરેલીની હોસ્પિટલમાં સારવારમાં રાખ્યા હતા. આ બે યુવાનોની સારવારમાં રોકાયેલા ત્રણ યુવાનો રાત્રે ચા પીવા જતાં હતા ત્યારે આગળની ઘટના અંગે મારી નાંખવાના ઈરાદે કાર ચડાવી હીટ એન્ડ રનની ઘટના સર્જતા બેને ગંભીર ઈજા થઈ છે. આ બંનેને મામલામાં સામસામે ફરિયાદ થઈ હતી. બનાવમાં યુવકો સાથે કાર અથડાવ્યા બાદ અન્ય વાહન સાથે કાર અથડાવી ચાલક નાસી છૂટયો હતો.
મળતી માહિતી મુજબ, ગત તારીખ ૨૯ના રોજ રાત્રીના સમયે સાવર કુંડલાના હાથસણી રોડ ઉપર આવેલ આસોપાલવ સોસાયટીમા દુકાને બેસવા બાબતે છરી પાઇપ વડે બાર શખ્સો વચ્ચે મારામારી સર્જાયેલ હતી. જેમાં મુકુંદભાઈ ભરતભાઈ હેલૈયા વિશાલ ભરતભાઈ હેલૈયા રવી મંગાભાઈ વેગડા મયુર રમેશભાઈ મારું મિલન કિશોરભાઈ મકવાણા રાજવીર ઉમેશભાઈ ખીમસુરીયા ભરત ભાઈ હેલૈયા સહિત સાત સખશો સામે અસ્મિતાબેન ભરતભાઇ ખેતરીયાએ ફરિયાદ નોંધાવેલ હતી.
જ્યારે સામે પક્ષે રવી મંગાભાઈ વેગડે ભરતભાઈ ખેતરીયા તેમના પત્ની ગરમલી વાળા ચિરાગ વાઘ તેમનો ભાઈ ભરતભાઈના ભાઈ સહીત પાંચ સામે ફરિયાદ નોંધાવેલ હતી. આ મારામારીમાં બે શખ્સોને સારવાર અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ હતા. રાતના દાખલ કરેલા દર્દી સાથે આવેલા હિતેશ ગેલાતર અજય ચૌહાણ અને રવી વેગડા ચા પીવા કેન્ટીન તરફ જતા હતા. ત્યારે અજાણ્યા કાર ચાલકે આ ત્રણેય યુવકોને મારી નાંખવાના ઇરાદે પાછળથી કાર ચડાવી દીધેલ હતી.
ત્યારબાદ કાર અન્ય એક કાર સાથે અથડાયેલ હતી. કાર ચાલકે આટલેથી નહી અટકતા કાર રિવર્સમા લઈ ફરીવાર જમીન ઉપર પડેલ શખ્સ ઉપર ચડાવી દેવા પ્રયાસ કરેલ હતો. આ હિટ એન્ડ રનની ઘટનામાં હિતેશ અને અજયને ગંભીર ઇજા પહોંચેલ હતી. બંને ને ગંભીર હાલતમાં સારવાર અર્થે રાજકોટ ખસેડાયેલ હતા. હિટ એન્ડ રન ની સમગ્ર ઘટના સી સી ટીવી ફૂટેજમાં કેદ થઈ ગયેલ હતી. સાવર કુંડલામાં સર્જાયેલ મારામારીની ઘટનાના પગલે જયસુખ નામના સખશે આ ત્રણેય યુવાનોને મારી નાખવાના ઇરાદે પાછળથી કાર ચડાવી દીધેલ હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલેલ હોવાનું ડી વાય એસ પી ચિરાગ દેસાઈ એ જણાવેલ હતું. અને આ સખ્સ સામે હત્યાની કોશિશની ફરિયાદ નોંધવા અમરેલી સિટી પોલીસમાં કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. હિટ એન રનની ઘટનામાં કાર ચાલકે અન્ય એક વાહન સાથે અથડાવી નાસી છૂટેલ હતો.
