ગાંધીનગર જિલ્લાના અડાલજ પોલીસે ખોડિયાર ગામના મકાનમાં દરોડો પાડીને ૧૧ જુગારીઓને ઝડપી પાડયા હતા. જેમની પાસેથી રોકડ સહિત ૧.૨૫ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, અડાલજ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમયે બાતમી મળી હતી કે શૈલેષજી રામાજી ઠાકોર, રહે. ખોડિયાર ગામની સીમમાં આવેલા લીલાપુર રોડ નજીક લીલાધર ફાર્મની પાસે પોતાના બંધ મકાનમાં પૈસા વડે જુગાર રમાડી રહ્યો છે.
જે બાતમીના પગલે પોલીસ ટીમે અહીં દરોડો પાડતા જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. જોકે પોલીસે શૈલેષ રામાજી ઠાકોર સહિત ૧૧ જુગારીઓને જુગાર રમતા ઝડપી લીધા હતા. જેમાં ખોડીયાર ગામના વિષ્ણુભાઈ ભરતભાઇ દંતાણી, સંજયજી જ્યંતિજી ઠાકોર, સેધાજી સોમાજી ઠાકોર, અલ્પેશજી મંગાજી ઠાકોર, વિનુજી મણાજી ઠાકોર, ગોવિંદજી ચુંથાજી રાવળ, મુકેશજી નાનાજી ઠાકોર, વિષ્ણુજી જેસંગજી ઠાકોર, બળદેવજી ભીખાજી ઠાકોર અને લીલાપુર ગામના બાબુજી બેચરજી ઠાકોરનો સમાવેશ થાય છે. આમ, જુગારીઓ પાસેથી રોકડ અને મોબાઈલ મળી કુલ ૧.૨૫ લાખ રૂપિયાનો મુદ્દામાંલ જપ્ત કરીને જુગારીઓ સામે જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
