આજે ગોડધા આરોગ્ય કેન્દ્રના ૧૨ જોખમી અને અતિ જોખમી સગર્ભા બહેનોને રાનવેરી ખાતે ડુમખલના સંકલ્પ પેપર મીલના સહયોગથી પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. પોષણ કીટમાં રહેલા પોષણયુક્ત આહારથી સગર્ભા માતાનું આરોગ્ય સુધરે છે તેમજ વજન અને લોહીમાં હિમોગ્લોબિનના પ્રમાણમાં પણ સુધારો આવે છે. જેથી પ્રસુતિ વખતે લોહીની ઉણપ રહેતી નથી અને આવનારું બાળક તંદુરસ્ત રહે છે.
આ પ્રસંગે ગોડધા આરોગ્ય કેન્દ્રના ડો. વિમલ ચૌધરી દ્વારા સગર્ભા બહેનોની આરોગ્ય તપાસ કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સામાન્યતઃ આરોગ્ય તંત્ર દ્વારા આઈડેન્ટિફાય કરવામાં આવેલા જોખમી અને અતિ જોખમી સગર્ભા માતાઓને પ્રસૂતિ સમયે ખુબ કાળજી રાખવાની રહેતી હોય છે. તેની સાથે સાથે આવાનારા બાળકને પણ ઓછું વજન, સંક્રમણ અને જીવનું જોખમ રહેલુ હોય છે. આરોગ્યની માર્ગદર્શિકા મુજબ અતિ જોખમી સગર્ભા માતાની પ્રસૂતિ જનરલ હોસ્પિટલમાં જ કરાવવાની હોય છે તેમજ ૭ દિવસ દાખલ રાખવાના હોય છે.
