ગાંધીનગરનાં માણસા તાલુકામાં અંબોડ ગામની મહિલા અંબોડથી લોદરા ગામે આવેલ સાઈ બાબાનાં મંદિરે અન્ય મહિલાઓ સાથે ચાલતા જઈ રહ્યા હતા ત્યારે લોદરા ચોકડી નજીક એક ક્રેનના ચાલકે તેમને ટક્કર મારી ગંભીર ઇજાઓ પહોંચાડતા તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. જે બાબતે માણસા પોલીસે અજાણ્યા ક્રેનના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, માણસા તાલુકાના અંબોડ ગામે પરિવાર સાથે રહેતા પ્રવિણાબા પરેશસિંહ ચાવડા તથા તેમના કુટુંબની અન્ય મહિલાઓ સાથે અંબોડ ગામથી ચાલતા લોદરા ગામે આવેલ સાંઈ બાબાના મંદિરે દર્શન કરવા માટે નીકળ્યા હતા અને સવારે લોદરા ગામની સીમમા ચોકડી નજીક પહોંચ્યા ત્યારે પાછળથી આવી રહેલ એક ક્રેનના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને બે ફીકરાઈથી ચલાવી પ્રવિણાબાને ટક્કર મારી હતી.
જેના કારણે તેઓ રોડ પર નીચે પટકાયા હતા જેના કારણે તેમને હાથ અને પગના ભાગે ગંભીર ઇજાઓ થતા આજુબાજુથી દોડી આવેલા લોકોએ તાત્કાલિક ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડયા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજતા તેમના પુત્ર એ અકસ્માત સર્જી મોત નીપજાવનાર અજાણ્યા ક્રેનના ચાલક વિરુદ્ધ માણસા પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
