ભાવનગર જિલ્લાના પાલીતાણામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. શહેરના તળેટી સહિત વિસ્તારમાં પાણી ભરાયા છે. પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી છે. સારો વરસાદ પડતાં ધરતીપુત્રોમાં ખુશી જોવા મળી છે. ભાવનગર જિલ્લાના ગારીયાધાર શહેરમાં કાળા દિબાંગ વાદળો ઘસી આવ્યા હતા અને ધોધમાર વરસાદ તૂટી પડતાં રોડ ઉપર ચારે તરફ પાણી પાણી થઈ ગયું હતું.
ગારીયાધાર શહેરમાં નીચાણવાળા મુખ્ય માર્ગો પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. પચ્છેગામ રોડ, આશ્રમ રોડ, બાયપાસ રોડ, વાવ દરવાજા, રાજપૂત વાડી, વાવ દરવાજા, રુપાવટી રોડ સહિતના વિસ્તારોમાં રોડ છે જે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. બીજી તરફ રાજકોટના જસદણના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે. ભારે ગરમી અને ઉકળાટ બાદ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસતા લોકોને ઠંડકનો અનુભવ થયો છે. રાજકોટના આટકોટ, ચિતલીયા, જંગવડ, વીરનગર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે અને બાળકોએ વરસાદમાં ન્હાવાની મજા માણી હતી.
