તમિલનાડુની બધી સરકારી શાળાઓમાં પરંપરાગત બેઠક વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યો છે. અત્યાર સુધી, વિદ્યાર્થીઓ બધા વર્ગોમાં એક બીજાની પાછળ એમ એક લાઇનમાં બેસતા હતા, પરંતુ હવે બેઠક વ્યવસ્થા બદલાઈ ગઈ છે. તમિલનાડુના વિદ્યાર્થીઓ હવે વર્ગમાં ‘U’ આકારમાં એટલે કે તમિલમાં ‘ப’ આકારમાં બેસશે. તમિલનાડુ સરકાર દ્વારા આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે કે, વિદ્યાર્થીઓ દરેક પ્રવૃત્તિમાં ભાગ લે, દરેક વિદ્યાર્થીને આગળની હરોળનો અનુભવ આપવાનો છે. હાલ આ વ્યવસ્થા પાયલટ ધોરણે લાગુ કરવામાં આવશે અને તેની સફળતાના આધારે તેનો વિસ્તાર કરવામાં આવશે. 
દરેક વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા વર્ગના કદ પર આધારિત રહેશે. તમિલનાડુ સરકાર તરફથી એક પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે, ‘દરેક અવાજ સંભળાવવો અને દેખાવો જોઈએ. શિક્ષણ એ વાતચીત બનવું જોઈએ, વ્યાખ્યાન નહીં. વર્ગના બધા વિદ્યાર્થીઓ ‘U’ આકારમાં બેસશે. કોઈ પણ વિદ્યાર્થી એકબીજાની આગળ કે પાછળ બેસશે નહીં. તમે તેને અર્ધવર્તુળ તરીકે સમજી શકો છો. આ ગોઠવણીમાં, ડેસ્ક અને ખુરશીઓ એવી રીતે મૂકવામાં આવે છે કે તે મોટા U જેવા દેખાય. આથી શિક્ષક Uના ખુલ્લા ભાગમાં ઊભા રહીને બધા વિદ્યાર્થીઓને જોઈ શકે છે અને વિદ્યાર્થીઓ પણ એકબીજાના ચહેરા જોઈ શકે છે.
આ શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે સંપર્ક અને વાતચીતને સરળ બનાવે છે. તમિલનાડુ શાળા શિક્ષણ વિભાગ માને છે કે, ક્લાસમાં યોગ્ય બેઠક વ્યવસ્થા અભ્યાસ સુધારવા, વિદ્યાર્થીઓ વચ્ચે વાતચીત વધારવા અને તેમને આરામદાયક અનુભવ કરાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તાજેતરમાં જાહેર કરાયેલા આ આદેશમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે પરંપરાગત વર્ગખંડોમાં પાછળના બેન્ચ પર બેઠેલા વિદ્યાર્થીઓને ઘણીવાર શિક્ષક સાથે સીધો સંપર્ક કરવામાં મુશ્કેલી પડતી હતી.
પરંતુ હવે આ નવી વ્યવસ્થાના કારણે છેલ્લી બેન્ચ જ દૂર કરી દેવામાં આવી છે. જેથી દરેક વિદ્યાર્થી પ્રથમ હરોળમાં જ બેસે. કેરળની રામવિલાસોમ વોકેશનલ હાયર સેકન્ડરી સ્કૂલમાં બાળકોની બેઠક વ્યવસ્થા ‘U’ આકારમાં ગોઠવવામાં આવી છે. આનાથી શિક્ષકો દરેક બાળક પર સમાન નજર રાખી શકે છે અને ‘બેકબેન્ચર’નો કોન્સેપ્ટ પણ દૂર થઈ ગયો છે. આ નવી વ્યવસ્થામાં દરેક બાળકને આગળની સીટ પર બેસવાનો મોકો મળે છે. કેરળની આ શાળાને આ વિચાર 2024ની મલયાલમ ફિલ્મ ‘સ્થાનાર્થી શ્રીકુટ્ટન’માં દર્શાવવામાં આવેલા ક્લાસરૂમમાંથી મળ્યો છે. આ ફિલ્મમાં એક બેકબેન્ચરની વાર્તા છે, જે શાળાની ચૂંટણી દરમિયાન ‘U’ આકારની બેઠક વ્યવસ્થાનું સૂચન કરે છે.



