તાપી આરોગ્ય તંત્ર દ્વારા ૧૧થી ૧૮ જુલાઈ દરમિયાન વિશ્વ વસ્તી પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે કુટુંબ નિયોજન માટેના માર્ગદર્શન તેમજ જનજાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા હતા. સોનગઢના જામખડી ખાતે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જયારે ગુંદખડી ખાતે નસબંધી સર્જરી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
નોંધનીય છે કે, ૧૧ જુલાઈને ‘વિશ્વ વસ્તી દિન’ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ કુટુંબ નિયોજન કાર્યક્રમને ઉજાગર કરે છે. વસ્તી વધારોએ સમગ્ર વિશ્વના મોટાભાગના દેશોને મુંઝવતી જટિલ સમસ્યા બની ગઈ છે. આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશમાતા અને બાળકોના આરોગ્ય તેમજ સુખાકારી માટે ગર્ભવસ્થામાં યોગ્ય અંતરના મહત્વ અંગે સમુદાયમાં જાગૃતિ લાવવાનો છે. જનજાગૃતિ માટે સામુદાયિક બેઠકો, કાર્યશાળાઓ અને પરીસંવાદો ઘરે ઘરે મુલાકાતો લઈ યોગ્ય સગર્ભાવસ્થાના અંતરના ફાયદાઓ વિશે પરિવારોને માહિતગાર કરવા માટે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
