બાંગ્લાદેશ એરફોર્સનું એક F-7 ટ્રેઈની વિમાન આજે બપોરે 1:30 વાગ્યે રાજધાની ઢાકાના ઉત્તરીય ક્ષેત્રમાં દિયાબારી વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું. આ વિમાન માઈલસ્ટોન સ્કૂલ પરિસર પર ક્રેશ થયું. સ્થાનિક મીડિયા અહેવાલો મુજબ, 19 લોકોના મોત થયા છે જ્યારે 160થી વધુ ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને ઢાકા મેડિકલ કોલેજ પાસે સ્થિત વિવિધ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
હઝરત શાહજલાલ ઈન્ટરનેશનલ એરપોર્ટના એક વરિષ્ઠ અધિકારીએ આ ઘટનાની પુષ્ટી કરી હતી પણ દુર્ઘટનાના કારણો કે જાનહાનિ વિશે કોઈ માહિતી આપી નહોતી. જો કે સૈન્ય અને ફાયરબ્રિગેડના અધિકારીઓએ કહ્યું હતું કે, પ્રાથમિક અહેવાલો પ્રમાણે 19 લોકોના મોત થયા છે, જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત છે.
માહિતી અનુસાર F7 ફાઈટર જેટ ચીનનું વિમાન છે. દુર્ઘટનાની જાણકારી મળતાં જ બાંગ્લાદેશ સૈન્યના જવાન અને ફાયર સર્વિસ તથા સિવિલ ડિફેન્સની આઠ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. એક અધિકારીએ કહ્યું કે, બપોરે અમને વિમાન દુર્ઘટના વિશે જાણકારી મળી હતી. જેના બાદ ત્રણ યુનિટનને ઘટનાસ્થળે રેસ્ક્યૂ કામગીરી સોંપવામાં આવી હતી. જોકે બે અન્ય એકમ રોડના ભાગમાં તહેનાત છે. માઇલસ્ટોન કોલેજના કેમ્પસમાં ધૂમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે. જોકે જાનહાનિની સંખ્યા કે દુર્ઘટનાના કારણો વિશે હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી. પાયલટની સ્થિતિ વિશે પણ કોઈ ચોક્કસ અહેવાલ સામે આવ્યા નથી.
