ધો.12 વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષામાં પાસ થનાર વિદ્યાર્થીઓને મેડિકલ, પેરા મેડિકલમાં પ્રવેશની તક મળશે અને આરોગ્ય વિભાગે પ્રવેશને લઇ નોટિફિકેશન જાહેર કર્યું છે, આગામી દિવસોમાં રજિસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરાશે અને રજિસ્ટ્રેશન બાદ વિદ્યાર્થીઓને મેરીટ લિસ્ટમાં સમાવાશે તેવી વાત સામે આવી છે.
ધોરણ 12ની પૂરક પરીક્ષામાં પાસ થનારા વિદ્યાર્થીઓ માટે મેડિકલ અને પેરામેડિકલ કોર્સિસમાં પ્રવેશ માટેના દ્વાર ખોલી દેવામાં આવ્યા છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરેલા નોટિફિકેશન મુજબ, હવે ધોરણ-12ની પૂરક પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓને પણ મેડિકલ અને પેરા મેડિકલ કોર્સિસમાં પ્રવેશ આપવામાં આવશે. સરકારના આ નોટિફિકેશન બાદ હવે પ્રવેશ સમિતિ દ્વારા આગામી દિવસોમાં પૂરક પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓ માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત કરાશે.ગુજરાતમાં મેડિકલ અને પેરા મેડિકલ કોર્સિસમાં પ્રવેશ માટે ધોરણ-12ની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી માર્ચમાં લેવાતી બોર્ડ પરીક્ષામાં પાસ થતાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવતો હતો. જોકે બોર્ડ દ્વારા ફેબ્રુઆરી-માર્ચની બોર્ડની પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની ફરીથી પૂરક પરીક્ષા લેવામાં આવે છે, પરંતુ આ પૂરક પરીક્ષામાં પાસ થનાર વિદ્યાર્થીઓને મેડિકલ અને પેરામેડિકલ કોર્સિસમાં પ્રવેશ આપવામાં આવતો ન હતો. જોકે હવે પૂરક પરીક્ષામાં પાસ થયા હોય તેમને પણ મેડિકલ અને પેરા મેડિકલ સહિતના તમામ કોર્સમાં પ્રવેશ ફાળવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
