સીબીઆઈએ બિલ્ડર્સ અને બેન્કોની મિલિભગત મામલે નોંધાયેલા કેસોની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે તે દિલ્હી-એનસીઆરમાં આ પ્રકારના 22 કેસ નોંધવા જઈ રહી છે. ભ્રષ્ટાચારના આરોપોમાં ઘણા બિલ્ડર્સ અને બેન્કના અધિકારીઓ પર સંકજો કસવામાં આવશે. સુપ્રીમ કોર્ટે આ મામલે કાર્યવાહી કરવા લીલી ઝંડી આપી છે. સીબીઆઈનો સીલબંધ રિપોર્ટ મળ્યા બાદ સુપ્રીમે કહ્યું કે, આ રિપોર્ટ ચોંકાવનારો છે.
સુપ્રીમ કોર્ટે કેસ નોંધ્યા પછી સીબીઆઈને પ્રાથમિક તપાસ કરવાનો પણ નિર્દેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે, કેટલીક રિયલ એસ્ટેટ કંપનીઓ તેમના પ્રોજેક્ટ્સ માટે ઘર ખરીદનારાઓને લોન અપાવવા માટે બેન્કો સાથે સાંઠગાંઠ કરાવે છે. જો કે, આ પ્રોજેક્ટ્સ ક્યારેય પૂરા થતા નથી, જેના કારણે સામાન્ય માણસ લોનના બોજા તળે દબાઈ જાય છે અને ઘરનું ઘર મેળવવાથી વંચિત રહી જાય છે. બેન્કો અને બિલ્ડર્સ ભેગા મળી પૈસા પડાવી રહ્યા હોવાની બાતમીના આધારે તપાસ હાથ ધરાઈ હતી. સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે સીબીઆઈની તપાસ પર સંતોષ વ્યક્ત કરતાં તેને વધુ તપાસ માટે વધારાનો સમય પણ આપ્યો છે.
જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ એન. કોટિશ્વર સિંહની બેન્ચે આદેશ આપ્યો છે કે, જો તપાસમાં કોઈ અવરોધ આવે તો સીબીઆઈ ગમે ત્યારે કોર્ટની મદદ લઈ શકે છે. ઘર ખરીદનારાઓને હેરાન કરવા અને તેમની પાસેથી પૈસા પડાવવા માટે બેન્કો સાથે મિલીભગતના કેસમાં ઘણા બિલ્ડર્સ સીબીઆઈની તપાસના સંકજામાં આવી શકે છે. કેન્દ્રીય એજન્સીએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે તે દિલ્હી-એનસીઆરમાં વિવિધ બિલ્ડર્સ સામે 22 કેસ નોંધવાની યોજના બનાવી રહી છે. તદુપરાંત, તેણે અન્ય શહેરોના બિલ્ડર્સની તપાસ માટે વધુ સમય પણ માંગ્યો હતો.સીબીઆઈ તરફથી અપીલ કરી રહેલા એડિશનલ સોલિસિટર જનરલ એશ્વર્યા ભાટીએ બેન્ચને જણાવ્યું હતું કે, તપાસને વેગ આપતાં નિષ્કર્ષ સુધી પહોંચાડવામાં વધુ સમય લાગશે. સીબીઆઈએ અત્યારસુધી 58થી વધુ સંપત્તિઓની તપાસ કરી છે. એક હજારથી વધુ સાક્ષીઓની પૂછપરછ કરવામાં આવી છે. સીબીઆઈએ સમગ્ર મામલે સીલબંધ રિપોર્ટ સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂ કર્યો છે. બેન્ચે સીબીઆઈની તપાસ પર સંતોષ વ્યક્ત કરતાં સંપૂર્ણ તપાસ માટે છ સપ્તાહનો વધુ સમય આપવામાં આવ્યો છે.
