નિઝર ખાતે આવેલ શ્રીજી હોટલ સામે પાર્ક કરેલી કારમાંથી તેનો ચાલક મૃત હાલતમાં મળી આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે.જોક સમગ્ર મામલે સ્થાનિક પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ તારીખ ૨૨મી જુલાઈ ના રોજ વડોદરા ખાતે આવેલ અલ્ટ્રાટ્રક સિમેન્ટ કંપનીની ઓફિસમાં ડે.મેનેજર તરીકે ફરજ બજાવતા (રવજી સવજી વળીયા રહે.સુભાનપુરા વડોદરા, અરૂણાચાલ સોસાયટી વડોદરા) તથા ડે.મનેજર (યોગેશ દામોદર ધનવાડે રહે.આકાશ રેસીડેન્સી એચ-૧૦૩ સોલા અમદાવાદ) તથા (આંચલબેન ગૌતમભાઈ ચપલૌત.આસી.મેનેજર રહે.રોનક સોસાયટી રામદેવ નગર અમદાવાદ) અને +તુષાર રવિન્દ્ર ગોયલ, મેનેજમેન્ટ ટ્રેનિંગ રહે.અલોક એપાર્ટમેન્ટ હરિ ભકિત કોલોની વડોદરા) નાઓ સુરત અને તાપી જિલ્લામાં અલ્ટ્રાટ્રેક સિમેન્ટ કંપનીના ડીલરો તથા RMCના પ્લાંટ માટે અલગ-અલગ વેપારીઓને મળવા જવાનુ હોવાથી તેઓએ સુરતના રેલ્વે સ્ટેશન પાસેથી મારૂતિ સુઝુકી કંપનીની સ્વીફ્ટ ડીઝાયર ગાડી નંબર જીજે/૦૫/સીડબલ્યુ/૪૪૮૯ને ભાડેથી કરી હતી.
ગાડીના ચાલક એઝાઝખાન એયુબખાન પઠાણ (રહે.ફ્લેટ નંબર ૬૦૨-૬૦૩ અલ્કરમ એપાર્ટમેન્ટ કાંકરા સ્ટ્રીટ રામપુરા સુરત સીટી) નાઓની સાથે ચારેય જણા ગાડીમાં બેસીને સુરતના પલસાણામાં આવેલ RMC પ્લાન્ટ ખાતે ગયા હતા.ત્યાંથી બારડોલી, વ્યારા, સોનગઢ, ઉચ્છલમાં કામ પતાવીને નિઝરમાં આશરે સાંજના સાડા સાતેક વાગે પહોંચ્યા હતા.ત્યારબાદ નિઝર ખાતે આવેલ શ્રીજી ગેસ્ટ હાઉસમાં રાતે રોકાયા હતા અને આ ગાડીનો ચાલક એઝાઝખાન પઠાણ પોતાની કબ્જાની ગાડીને શ્રીજી હોટેલની સામે ખુલ્લી જગ્યામાં ગાડીને પાર્ક કરી ગાડીમાં જ સુઈ ગયો હતો.જોકે ગાડીનો ચાલક બીજા દિવસે એટલે કે બુધવારના રોજ સવારે ગાડીમાં કલીનર સીટ ઉપર સુતેલી હાલતમાં કોઈક અગમ્ય કારણસર મરણ ગયેલ હાલતમાં મળી આવ્યો હતો. બનાવ અંગે નિઝર પોલીસને જાણ થતા ઘટના સ્થળે પહોંચીને મૃતદેહનો કબ્જો લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
