દેશમાં સંસદના ચોમાસુ સત્રનો ગુરુવારે ચોથો દિવસ હતો. વિપક્ષે ઓપરેશન સિંદૂર અને બિહારમાં મતદાર યાદીમાં સુધારણા મુદ્દે ભારે હોબાળો મચાવ્યો. આવા સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ બ્રિટન અને માલદિવ્સના પ્રવાસે છે ત્યારે સંસદમાં પીએમ મોદીના વિદેશ પ્રવાસ અંગે વિપક્ષ દ્વારા માહિતી મગાઈ હતી. વિદેશ મંત્રાલયે કહ્યું કે, છેલ્લા પાંચ વર્ષમાં પીએમ મોદીના વિદેશ પ્રવાસ પાછળ કુલ રૂ. 325 કરોડથી વધુનો ખર્ચ થયો છે. આ સિવાય તાજેતરના કેટલાક વિદેશ પ્રવાસનો ખર્ચ હજુ જાહેર કરાયો નથી.
સંસદના ચોમાસુ સત્રમાં વિદેશ મંત્રાલયે ગુરુવારે એક પ્રશ્નના જવાબમાં કહ્યું કે, વર્ષ 2021 થી 2024 સુધીમાં પીએ મોદીના વિદેશ પ્રવાસ પાછળ અંદાજે રૂ. 295 કરોડનો ખર્ચ થયો છે જ્યારે 2025માં પાંચ દેશોના પ્રવાસમાં રૂ. 67 કરોડ ખર્ચાયા છે.તૃણમૂલ કોંગ્રેસના સાંસદ ડેરેક ઓ’બ્રાયને પૂછેલા સવાલનો લેખિત જવાબ આપતા વિદેશ મંત્રાલયે કહ્યું કે, વર્ષ 2025માં વડાપ્રધાન મોદીએ અનેક દેશોના પ્રવાસ કર્યા છે, પરંતુ હજુ સુધી માત્ર ફ્રાન્સ, અમેરિકા, થાઈલેન્ડ, શ્રીલંકા અને સાઉદી અરબના પ્રવાસો પર થયેલા ખર્ચની વિગતો જણાવાઈ છે. અન્ય નવ દેશોના પ્રવાસના ખર્ચની વિગતો જાહેર કરાઈ નથી. આ પ્રવાસના બિલો હજુ સુધી તપાસવામાં આવી રહ્યા છે.
વિદેશ મંત્રાલયે કહ્યું કે, પીએમ મોદીના ફ્રાન્સ પ્રવાસ પર રૂ. 25.5 કરોડ, અમેરિકાના પ્રવાસ પર રૂ. 16.5 કરોડ, થાઈલેન્ડના પ્રવાસ પર રૂ. 4.9 કરોડ, શ્રીલંકાના પ્રવાસ પર રૂ. 4.4 કરોડ જ્યારે સાઉદી અરબના પ્રવાસ પર રૂ. 15.5 કરોડનો ખર્ચ થયો હતો.વિદેશ મંત્રાલયે વર્ષ 2021થી 2024 સુધીના પ્રવાસ પાછળ થયેલા ખર્ચની પ્રત્યેક વર્ષ મુજબની વિગતો પણ આપી હતી, જે મુજ વર્ષ 2024માં રૂ. 100 કરોડ, 2023માં રૂ. 93 કરોડ, 2022 માં રૂ. 55 કરોડ અને 2021માં રૂ. 36 કરોડથી વધુનો ખર્ચ થયો છે. છેલ્લા પાંચ વર્ષના સમયમાં સૌથી વધુ ખર્ચ અમેરિકાના પ્રવાસમાં થયો છે. વર્ષ 2021થી અત્યાર સુધીમાં ચાર વખત પીએમ મોદી અમેરિકા ગયા છે, જેમાં કુલ રૂ. 74.66 કરોડનો ખર્ચ થયો છે. આ સિવાય ફ્રાન્સના ત્રણ વિદેશ પ્રવાસો પર રૂ. 41.29 કરોડ અને જાપાનના ત્રણ પ્રવાસો પર રૂ. 32.69 કરોડનો ખર્ચ થયો છે.
