2021થી 2022 સુધી કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો હતો. કોરોના મહામારીની સામાજિક-આર્થિક, શારીરિક અને માનસિક અસરો થઈ છે. ઈમ્યૂનિટીને અસર થવાથી લઈને મગજ પર સાઈડ ઈફેક્ટ થઈ હોવાના સંશોધનો થઈ રહ્યા છે. એક નવું સંશોધન તો બહુ જ ચિંતાજનક છે. કોરોના થયો ન હોય એવા લોકોને પણ મહામારીના કારણે માનસિક અસર થઈ છે. મગજની ઉંમર એકાએક વધી ગયાનું રિસર્ચમાં જણાયું છે.
બ્રિટનની નોટ્ટીંઘમ યુનિવર્સિટીના સંશોધક અલી રઝા મોહમ્મદી નેજાદે 996 લોકોના દિમાગને સ્કેન કર્યા હતા. જેમને કોરોના મહામારી થઈ હતી તેમના અને જેમને મહામારી થઈ ન હતી તેમના પણ મગજનું સ્કેનિંગ કર્યું હતું. બે વખત સ્કેનિંગ કરાયું હતું અને બે સ્કેનિંગ વચ્ચે અઢી વર્ષનું અંતર રાખવામાં આવ્યું હતું. વિશાળ ડેટાબેઝના આધારે થયેલા સંશોધનમાં જણાયું હતું કે દરેક વ્યક્તિને કોરોનાની ગંભીર સાઈડ ઈફેક્ટ થઈ છે. જેમને કોરોના થયો ન હતો તેઓ પણ આ સાઈડ ઈફેક્ટથી બાકાત રહ્યા ન હતા.
મગજના સ્કેનિંગમાં જણાયું એ પ્રમાણે લોકડાઉનનો સ્ટ્રેસ, સમાજિક રીતે અલગ પડી ગયાનો અનુભવ, સતત ઝળૂંબી રહેલો કોરોના વાયરસનો ભય અને આર્થિક બાબતના કારણે બધા લોકોના મગજમાં ગંભીર માનસિક અસરો જોવા મળી હતી. તે એટલે સુધી કે મગજની ઉંમર પણ વધી ગયાનું જણાયું હતું. પુરુષોમાં અને ખાસ તો સામાજિક રીતે જેઓ વંચિત હતા કે જેમનું સામાજિક બેકગ્રાઉન્ડ એકલતાવાળું હતું તેમનામાં આ અસર વધારે થઈ હતી. સરેરાશ મગજની ઉંમર 5.5 મહિના વધ્યો હતો. પુરુષો અને મહિલાઓમાં આ તફાવત અઢી મહિનાનો હતો. કોરોના વાયરસ જેમના શરીરમાં ઘૂસ્યો હતો તેમના જ્ઞાનતંતુ નબળા પડયા હતા. કોઈ બાબતને રિએક્ટ કરવાની તેમની ક્ષમતા પણ ઓછી થઈ ગયાનું સામે આવ્યું હતું.
