એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઈ.ડી.) દ્વારા યશ બેંક લોન છેતરપિંડી કેસ સંબંધિત મની લોન્ડરિંગ તપાસના સંદર્ભમાં, ગુરૂવારે અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપ (આરએએજીએ કંપનીઓ) સાથે સંકળાયેલા ૩૫થી વધુ સ્થળો અને ૫૦ કંપનીઓ પર દરોડા પાડવામાં આવ્યા છે. સીબીઆઈ દ્વારા રજીસ્ટર્ડ કરાયેલી બે એફઆઈઆર અને સેબી, નેશનલ હાઉસીંગ બેંક, બેંક ઓફ બરોડા અને નેશનલ ફાઈનાન્શિયલ રિપોર્ટિંગ ઓથોરિટી (એનએફઆરએ) સહિતની એજન્સીઓ દ્વારા શેર કરાયેલા ઈનપુટ્સ બાદ આ દરોડા પાડવામાં આવ્યા હતા.
ઈડીના જણાવ્યા મુજબ, પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે, વર્ષ ૨૦૧૭ અને વર્ષ ૨૦૧૯ દરમિયાન યસ બેંક દ્વારા મંજૂર કરાયેલી રૂ.૩૦૦૦ કરોડ જેટલી લોન કથિત રીતે શેલ કંપનીઓ અને અન્ય ગ્રુપ સંસ્થાઓને ડાઈવર્ટ કરવામાં આવી હતી. તપાસકર્તાઓને યસ બેંકના અધિકારીઓ, જેમાં તેના પ્રમોટરનો પણ સમાવેશ છે એમના દ્વારા લાંચ લેવાના પુરાવા મળ્યા છે.એજન્સીએ યસ બેંકની મંજૂરી પ્રક્રિયામાં ગંભીર ખામીઓ દર્શાવી હતી, જેમાં જૂના ક્રેડિટ દસ્તાવેજો, યોગ્ય તપાસનો અભાવ અને નબળી નાણાકીય સ્થિતિ ધરાવતી કંપનીઓ અને જનરલ ડિરેકટરોને આપવામાં આવેલી લોનનો સમાવેશ થાય છે. જેમાં લોનની શરતોનું ઉલ્લંઘન, ખાતાઓનું એવરગ્રીનિંગ અને લોન મંજૂરીના દિવસે અથવા એ પહેલા જ ચૂકવણી થઈ હોવાના કિસ્સાઓ પણ જોવા મળ્યા હતા. ઈડીએ જણાવ્યું હતું કે, ૫૦થી વધુ કંપનીઓ અને ૨૫ વ્યક્તિઓ તપાસ હેઠળ છે. સેબીએ રિલાયન્સ હોમ ફાઈનાન્સ લિમિટેડ(આરએચએફએલ) સંબંધિત તારણો પણ રજૂ કર્યા છે. તપાસ બાદ આ દરોડા પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ)ની કલમ ૧૭ હેઠળ પાડવામાં આવ્યા હતા.
આ દરમિયાન સૂત્રોના જણાવ્યાનુસાર, કેન્દ્રીય એજન્સીએ યસ બેંકના પ્રમોટર્સ અને અનિલ અંબાણીની કંપનીઓ વચ્ચે ”ગેરકાયદેસર ક્વિડ પ્રો ક્વો વ્યવસ્થા” શોધી કાઢી છે. આ રિપોર્ટ એ બાબતનો સંકેત આપે છે કે, સુનિયોજીત રીતે બેંકો સાથે છેતરપિંડી કરીને અને શેરધારકો, રોકાણકારો અને અન્ય જાહેર સંસ્થાઓને છેતરીને જનતાના કરોડો રૂપિયાની ઉચાપત કરાઈ છે. આ દરમિયાન આરકોમ અને કેનેરા બેંક વચ્ચે રૂ.૧૦૫૦ કરોડથી વધુ રકમની બેંક લોન છેતરપિંડીનો મામલો ઈડીના સ્કેનર હેઠળ આવ્યો હતો.
આ સિવાય કેટલાક બિનજાહેર વિદેશી બેંક ખાતાઓ અને અસ્કયામતો પણ ઈડીને હાથ લાગ્યાનું સૂત્રોએ કહ્યું હતું. મૂડી બજાર નિયામક તંત્રની જાણમાં આવ્યું હતું કે, આરએચએફએલ-રિલાયન્સ હોમ ફાઈનાન્સ લિમિટેડ દ્વારા કોર્પોરેટ લોન નાણા વર્ષ ૨૦૧૭-૧૮માં રૂ.૩૭૪૨.૬૦ કરોડથી વધારીને નાણા વર્ષ ૨૦૧૮-૧૯માં રૂ.૮૬૭૦.૮૦ કરોડની કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારે પણ સંસદને તાજેતરમાં જાણ કરી હતી કે, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ આરકોમ અને અનિલ અંબાણીને ફ્રોડ ગણાવ્યા હતા અને સીબીઆઈમાં ફરિયાદ દાખલ કરવાની પ્રક્રિયામાં હોવાની જાણ કરી હતી.
ઈડીના દરોડા બાદ અનિલ અંબાણી ગ્રુપની કંપનીઓ રિલાયન્સ પાવર અને રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રકચર દ્વારા આ સંબંધિત શેર બજારોને ફાઈલિંગ થકી સ્પષ્ટતા કરવામાં આવી છે. આ વિશે રિપોર્ટ પર પ્રતિક્રિયા આપતા,બન્ને કંપનીઓએ જણાવ્યું હતું કે, ”કાર્યવાહીનો વ્યવસાયિક કામગીરી, નાણાકીય કામગીરી, શેરધારકો, કર્મચારીઓ અથવા કંપનીઓના અન્ય કોઈપણ હિસ્સેદારો પર કોઈ અસર થતી નથી. મીડિયા અહેવાલો રિલાયન્સ કોમ્યુનિકેશન્સ લિમિટેડ(આરકોમ) અથવા રિલાયન્સ હોમ ફાઈનાન્સ લિમિટેડ (આરએચએફએલ)ના ૧૦ વર્ષથી વધુ જૂના વ્યવહારો સંબંધિત આરોપો સાથે સંબંધિત હોય એવું લાગે છે.” આ સાથે સ્પષ્ટતા કરવામાં આવી છે કે, ”રિલાયન્સ પાવર એક અલગ અને સ્વતંત્ર લિસ્ટેડ એન્ટિટી છે, જેનો આરકોમ અથવા આરએચએફએલ સાથે કોઈ વ્યવસાય કે નાણાકીય જોડાણ-સંબંધ નથી.
આરકોમ ૬ વર્ષથી વધુ સમયથી ઈન્સોલ્વન્સી અને બેન્કરપ્સી કોડ, ૨૦૧૬ મુજબ કોર્પોરેટ ઈન્સોલવન્સી રિઝોલ્યુશન પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે. સુપ્રીમ કોર્ટના ચૂકાદા મુજબ આરએચએફએલનો સંપૂર્ણ ઉકેલ આવી ગયો છે. મીડિયા અહેવાલોમાં દર્શાવેલ સમાન આરોપો જાહેરમાં ઉપલબ્ધ માહિતી મુજબ માનનીય સિક્યુરિટીઝ એપેલેટ ટ્રિબ્યુનલ સમક્ષ પેન્ડિંગ છે. વધુમાં, અનિલ અંબાણી રિલાયન્સ પાવર અને રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રકચરના બોર્ડમાં નથી, એમ કંપનીઓએ જણાવ્યું હતું. જે મુજબ, આરકોમ અને આરએચએફએલ સામે લેવામાં આવેલી કોઈપણ કાર્યવાહીનો બન્ને કંપનીઓના ગવર્નન્સ, મેનેજમેન્ટ કે કામગીરી પર કોઈ અસર કે પ્રભાવ પડતો નથી.”
