રમત-ગમત ક્ષેત્રે આદિવાસી યુવાન-યુવતિઓ ઉત્કૃષ્ઠ યોગદાન આપી રહ્યા છે. રાજ્ય સરકારે ખેલ મહાકુંભનું આયોજન કરીને ગ્રામીણ ક્ષેત્રોના ખેલાડીઓને બહાર લાવવાનો અભિગમ કાબેલીદાદ છે. રાજ્યના આદિવાસી વિસ્તારના અનેક રમતવીરો પોતાનું કૌશલ્ય રજુ કરી સિધ્ધિઓના સિંહાસન ઉપર પહોંચવા થનગનાટ અનુભવે છે. હાલમાં જ જર્મનીના રહાઈન રૂહર ખાતે ૧૬ જુલાઈથી ૨૭ જુલાઈ સુધી FISU WORLD UNIVERSITY GAMES નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભારત દેશની વોલીબોલ ટીમમાં ગુજરાતમાંથી એકમાત્ર તાપી જિલ્લાની મીનલબેન સોહાનભાઈ ગામીતની પસંદગી થતા આદિવાસી સમાજ અને તાપી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ગૌરવ અને આનંદની લાગણી અનુભવાઈ હતી.
મીનલ ગામીતે જર્મનીથી સોશિયલ મીડિયાના માધ્યમથી તાપી જિલ્લા માહિતી કચેરીને જણાવ્યું હતું કે વર્લ્ડ યુનિવર્સીટી ગેમ્સમાં મારી પસંદગી થતા મને ખૂબ જ આનંદ થયો હતો. મારૂ સ્વપ્ન હતું કે હું વોલીબોલની રમતમાં સારા પ્લેયર બની મારી કારકિર્દીમાં આગળ વધી હું મારા ગામ,જિલ્લો,રાજ્ય અને દેશને ગૌરવ અપાવીશ. શાળામાં અભ્યાસ બાદ ખેલમહાકુંભથી શરૂ કરેલી મારી કારકિર્દીમાં હું હંમેશા સફળ બનવા માટે પ્રતિબધ્ધ છું. હાલમાં અમે બ્રાઝિલ,સ્પેન,મોંગોલીયા,ચીલી અને છેલ્લે ઓસ્ટ્રેલીયા સામે રમ્યા જેમાં પાંચ સેટ સુધી અમે જોરદાર ટક્કર આપી અંતે અમારી ટીમ બહાર થઈ ગઈ. પરંતુ હારમાંથી પણ અમે ઘણું બધુ શીખ્યા. ફરી અમે બુલંદ જુસ્સા સાથે મેદાનમાં ઉતરીશું. ભારત દેશને ગૌરવ અપાવીશું.
સોનગઢ તાલુકાના ધમોડી અને હનુમંતિયા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષણ મેળવી મીનલે માધ્યમિક શિક્ષણ ઘાટાની હાઈસ્કુલમાં લીધુ હતું. ત્યાં કૌશિકભાઈ કોચ તરીકે મને ખૂબ પ્રોત્સાહિત કરી હતી. પછી નડિઆદ ખાતે હાયર સેકન્ડરી શિક્ષણ મેળવ્યું ત્યારબાદ મરીદાભાગોળ નડિઆદ એકેડમીમાં એડમીશન મેળવી કોચ ચંદેર સીંઘ ના માર્ગદર્શન હેઠળ વોલીબોલ રમતની તાલીમ મેળવી રહી છું. હાલમાં ઓરીસ્સાના ભૂવનેશ્વરમાં કલીંગા ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડસ્ટ્રીઅલ ટેકનોલોજી ડીમ્ડ ટુ બી યુનિવર્સિટી ખાતે સ્નાતક(સોશિયોલોજી) પ્રથમ વર્ષમાં અભ્યાસ કરી રહીં છું.
ઉલ્લેખનિય છે કે નાનકડા ધમોડી ગામની આદિવાસી દિકરી મીનલ સંયુક્ત પરિવારમાં રહે છે. તેના દાદા દીનુભાઈ નિવૃત્ત પ્રાઈમરી શિક્ષક છે.પિતા હયાત નથી અને માતા મમતાબેન વ્યારાના ઈન્દુ ખાતે આવેલ નર્સિંગ છાત્રાલયમાં રસોઈયા તરીકે કામ કરે છે. જ્યારે બીજી બે બહેનો સોનલ (એમ.કોમ) પાયલ (૧૨ સાયન્સ) સુધીનો અભ્યાસ ધરાવે છે. તેઓ ત્રણ બહેનો,દાદા-દાદી,કાકા-કાકી સાથે સંયુક્ત કુટુંબની ભાવનાથી રહે છે. ખેતી કરીને ગુજરાન ચલાવી સાદગીભર્યું જીવન વિતાવે છે.
