Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

બોલિવૂડ અભિનેત્રી કરિશ્મા કપૂરના સ્વર્ગવાસી પૂર્વ પતિ અને ઉદ્યોગપતિ સંજય કપૂરની કરોડોની સંપત્તિને લઈને વિવાદ સર્જાયો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

બોલિવૂડ અભિનેત્રી કરિશ્મા કપૂરના સ્વર્ગવાસી પૂર્વ પતિ અને ઉદ્યોગપતિ સંજય કપૂરના રૂ. 30,000 કરોડની સંપત્તિને લઈને વિવાદ સર્જાયો છે. સંજય કપૂરના માતા રાની કપૂરે ‘સોના BLW પ્રિસિઝન ફોર્જિંગ્સ લિમિટેડ’ના શેરધારકોને એક પત્ર લખ્યો છે, જેના કારણે હોબાળો મચી ગયો છે. આ પત્રમાં રાની કપૂરે દાવો કર્યો છે કે જૂનમાં મારા પુત્રના અકાળે અવસાન થયા પછી બહારના લોકો અમારા પારિવારિક વારસા પર કબજો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

કંપનીની વાર્ષિક સામાન્ય સભા (AGM) પહેલાં શેરધારકોને મોકલેલા પત્રમાં રાની કપૂરે આરોપ લગાવ્યો છે કે સંજયના અવસાન પછી અમે શોકગ્રસ્ત સ્થિતિમાં હતાં ત્યારે અમારા પર માનસિક દબાણ ઊભું કરીને દસ્તાવેજો પર સહી કરવાની ફરજ પડાઈ હતી. આ પ્રક્રિયા બંધ દરવાજા પાછળ થઈ હતી અને અમને કંપનીના ખાતા વિશે કોઈ માહિતી અપાઈ નહોતી. આ પત્રમાં તેમણે એવી પણ ચિંતા વ્યક્ત કરી છે કે, એ દસ્તાવેજોનો ઉપયોગ હવે પરિવારના વારસાગત વ્યવસાય પર ખોટી રીતે કબજો કરવા માટે થઈ રહ્યો છે.

અનેક મહત્ત્વના નિર્ણયોમાંથી બાકાત કર્યાનો દાવો  : રાની કપૂરે પત્રમાં લખ્યું છે કે, ‘હું મારા પતિના રજિસ્ટર્ડ વસિયતનામાની એકમાત્ર લાભાર્થી છું અને મોટાભાગના શેરોની માલિક પણ છું. આમ છતાં સંજયના અચાનક અવસાન પછી મને બિઝનેસ ગ્રૂપના નિર્ણયોમાંથી જાણીજોઈને બાકાત રાખવામાં આવી છે.’

‘સોના કોમસ્ટાર’ એક વૈશ્વિક ઓટોમોટિવ ટેક્નોલોજી કંપની છે જે ઇલેક્ટ્રિક અને પરંપરાગત બંને વાહનો માટે હાઈલી એન્જિનિયર્ડ, મિશન-ક્રિટીકલ ઓટોમોટિવ સિસ્ટમ્સ અને મશીનરીની ડિઝાઇન અને ઉત્પાદન કરે છે. મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ સિસ્ટમ્સ અને સોફ્ટવેર ડેવલપમેન્ટમાં નિષ્ણાત એવી આ કંપની વૈશ્વિક EV બજારમાં અગ્રણી સપ્લાયર છે. સંજય કપૂર આ કંપનીના ચેરમેન હતા. ‘સોના BLW પ્રિસિઝન ફોર્જિંગ્સ લિમિટેડ’ એ ‘સોના કોમસ્ટાર’ની પેરન્ટ કંપની છે.

રાની કપૂરના આરોપો પછી કંપની તરફથી નિવેદન કરીને જણાવાયું હતું કે, ‘બધા નિર્ણયો કોર્પોરેટ કાયદા અને નિયમોનું પાલન કરીને લેવામાં આવ્યા છે. રાની કપૂર શેરધારક તરીકે નોંધાયેલા નથી, તેથી કંપની માટે બોર્ડના નિર્ણયોમાં તેમની સલાહ લેવી કાયદેસર રીતે જરૂરી નથી.’

સંજય કપૂરના વિધવાની નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર નિમણૂક : 25 જુલાઈના રોજ સોના કોમસ્ટારની AGM યોજાઈ હતી, જેમાં નવા બોર્ડ સભ્યોની નિમણૂક કરાઈ હતી. આ દરમિયાન જેમાં સંજય કપૂરના વિધવા પ્રિયા સચદેવ કપૂરને નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર નિમણૂક કરાઈ હતી. રાની કપૂર દ્વારા લગાવાયેલા ગંભીર આરોપો બાબતે સ્પષ્ટતા કરતાં કંપનીએ જણાવ્યું હતું કે, AGM યોજાય તે પહેલા 24 જુલાઈની રાત્રે રાની કપૂરનો પત્ર મળ્યો હતો, પરંતુ કાનૂની સલાહકારોની સલાહ પ્રમાણે AGM મુલતવી રાખવાનું કોઈ કારણ નહોતું. કંપનીએ એ પણ સ્પષ્ટ કર્યું હતું કે સંજય કપૂરના અવસાન પછી કંપનીને રાની કપૂર તરફથી કોઈ દસ્તાવેજો મળ્યા નથી કે તેમના પર સહી કરાઈ નથી.

નિષ્ણાતોના મતે વારસા પર દાવો કોનો ગણાય? : ₹30,000 કરોડના આ વારસાના વિવાદે વસિયતનામા અને કંપનીના શેર રજિસ્ટર વચ્ચેના કાનૂની સંઘર્ષને ઉજાગર કર્યો છે. તેમાં ફક્ત જાહેર કંપનીનું નિયંત્રણ જ નહીં, પણ રાની કપૂરના પતિ ડૉ. સુરિન્દર કપૂર દ્વારા સ્થાપિત સોના ગ્રૂપનો વારસો પણ દાવ પર છે.

કાયદાના નિષ્ણાતોનું કહેવું છે કે, ભારતીય કાયદો કહે છે કે, શેરધારકના મૃત્યુ પછી તેનો નોમિની શેરનો અંતિમ માલિક નથી હોતો. નોમિની ફક્ત એક કસ્ટોડિયન અથવા ટ્રસ્ટી હોય છે, જે કાનૂની વારસદારો વસિયતનામા હેઠળ શેર પર દાવો કરે ત્યાં સુધી અસ્થાયીરૂપે શેરને હોલ્ડ કરી શકે છે. રાની કપૂરનું આગળનું પગલું તેમના પતિના વસિયતનામાની ‘પ્રોબેટ’ કરાવવાનું હોઈ શકે છે. આ એક કોર્ટ પ્રક્રિયા છે જે વસિયતનામાની અધિકૃતતા સ્થાપિત કરે છે. જો આ પ્રક્રિયા પૂર્ણ થાય તો તેમને કંપનીના શેર પર દાવો કરવાનો અને લેવાયેલા નિર્ણયોને પડકારવાનો અધિકાર મળશે.

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!