અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં અનેક લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં અનેક લોકો ઘાયલ પણ થયાં હતા. આ દરમિયાન આઠ મહિનાનું બાળક પણ ગંભીર રીતે દાઝ્યું હતું. આ અકસ્માતમાં તેનો ચહેરો, માથું અને હાથ ખરાબ રીતે દાઝી ગયા હતા. બાળકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. અત્યારે તેના સ્વાસ્થ્યમાં સુધાર આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
બાળકની માતા મનીષાએ કહ્યું હતું કે તેની ત્વચાના ગ્રાફ્ટ બાળકના ચહેરા, માથા અને હાથ પર લગાવવામાં આવ્યા છે, જેથી બાળક હવે સ્વસ્થ છે. ધ્યાંશ સિવિલ હોસ્પિટલના યુરોલોજિસ્ટ ડૉ. કપિલ કાછડિયાનો પુત્ર છે. AI 171 વિમાન દુર્ઘટના પછી તે ગંભીર રીતે દાઝી ગયો હતો. શહેરની હોસ્પિટલમાં પાંચ અઠવાડિયા સુધી સારવાર લીધા હતા, આ દુર્ઘટના વખતે માતા અને દીકરો બીજે મેડિકલ કોલેજના હોસ્ટેલમાં આવેલા કોર્ટરમાં હતા. પ્લેન ક્રેશ થયું હોવાથી ચારેય બાજુ ધુમાડો હતો જેના કારણે તેમનો દીકરો ગંભીર રીતે દાઝી ગયો હતો. માતાએ જણાવ્યું કે, ‘અમને વિશ્વાસ જ નહોતો કે, અમે બચીશું! મેં અને મારા બાળકે જે દુઃખ સહન કર્યું છે તેને શબ્દોમાં વ્યક્ત કરવું શક્ય નથી’.માતા મનીષાને પણ આ દુર્ઘટનામાં ઈજાઓ થઈ હતી. તેના કરતા વધારે તેના આઠ મહિનાના બાળકને વધારે ઈજા થઈ હતી. જેથી બંનેને સારવાર માટે કેડી હોસ્પિટલમાં દાખલ કરાવમાં આવ્યાં હતા. ધ્યાંશને તાત્કાલિક પીઆઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો હતો.
ડૉક્ટરે વધુમાં જણાવ્યું કે, ‘માતાએ જે હિંમતથી પોતાના બાળકને બચાવ્યું તે ખૂબ જ પ્રેરણાદાયક હતું’. ડૉક્ટરે જણાવ્યું કે, બાળકના ઘાને મટાડવા માટે બાળકની પોતાની ત્વચા અને માતાની ત્વચાના ગ્રાફ્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.બાળકની ઉંમર એક મુખ્ય પરિબળ હતું. અમારે ખાતરી કરવી પડી કે ઘાને ચેપ ન લાગે અને તેનો વિકાસ સામાન્ય રહે. પરંતુ સારવાર બાદ બાળક અને માતાની રિકવરી સંતોષકારક રહી છે.હોસ્પિટલના એક ડૉક્ટરે જણાવ્યું કે, ધ્યાંશના ફેફસાંનો એક ભાગ લોહીથી ભરાઈ ગયો હતો. જેથી તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો. ફેફસાંને સંપૂર્ણપણે વિસ્તૃત કરવા માટે ઇન્ટરકોસ્ટલ ડ્રેનેજ ટ્યુબ દાખલ કરવામાં આવી હતી. ઇન્ટરકોસ્ટલ ડ્રેનેજ ટ્યુબ એ એક એવી નળી છે જે ફેફસાંમાંથી પ્રવાહી અથવા હવા દૂર કરવા માટે છાતીમાં દાખલ કરવામાં આવે છે. આ ફેફસાંને યોગ્ય રીતે કાર્ય કરવામાં મદદ કરે છે. હવે ધ્યાંશની સ્થિતિ સારી હોવાનું પણ ડૉક્ટરે જણાવ્યું છે.



