કુકરમુંડાને અડીને આવેલા મહારાષ્ટ્ર રાજયના મોટી રાજમોઈ ગામમાં દીપડાનું વીજકરંટ લાગવાથી મોત થયાની ઘટના પ્રકાશમાં આવી છે. દીપડો ઘર ઉપર ચઢી જતા તે દરમિયાન વીજલાઈનને અડી જવાથી વીજકરંટ લાગ્યાની ચર્ચાએ પંથક જોર પકડ્યું છે. સમગ્ર મામલે વન વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
મળતી વિગતો અનુસાર તાપી જિલ્લાની સરહદને અડીને આવેલ મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના અક્કલકુવા તાલુકાના મોટી રાજમોઈ ગામમાં ખેડૂત સંજય રામસિંગ વળવીના ખેતરમાં આવેલ ઘર ઉપર દીપડો ચઢી ગયો હતો. જોકે તે સ્થળેથી વીજલાઇન પસાર થતી હોય, જે વીજલાઈનને દીપડો અડી જવાથી કરંટ લાગતા દીપડાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ઘટનાની જાણ થતા સ્થળ ઉપર વીજકંપની તથા વન વિભાગની ટીમ પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃત દીપડાનો કબજો લઇ પંચનામા સહિતની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.




